ગુજરાતમાં ધીમે-ધીમે કાતિલ ઠંડીની અસર ઓછી થઈ રહી છે અને ગરમીનો પારો ઉચકાવા લાગ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં આવતીકાલથી 8 ફેબ્રુઆરી એમ આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે. જ્યારે તે પછીના બે દિવસ તાપમાનમાં વધારે ફરક નહીં પડે. જેના પરિણામે ઠંડીમાં આંશિક ઘટાડો થશે. ખાસ કરીને અમદાવાદમાં આગામી સપ્તાહથી મહત્તમ તાપમાન 35 ડિગ્રીને પાર જતાં ગરમી વધી શકે છે.
નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે આગામી 3 દિવસ નલિયામાં તાપમાન 7 થી 9 ડિગ્રીની વચ્ચે રહેવાનું અનુમાન છે.
રાજ્યના મોટા શહેરોમાં લઘુત્તમ તાપમાનની સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં 14.2 ડિગ્રી, વડોદરામાં 14.8 ડિગ્રી, સુરતમાં 18.2 ડિગ્રી અને રાજકોટમાં 13.1 ડિગ્રી નોંધાયું છે. આ સિવાય ભાવનગરમાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 13.2, જૂનાગઢમાં 15.3 ડિગ્રી, પાટણમાં 13.5 ડિગ્રી અને પોરબંદરમાં 13.4 ડિગ્રી નોંધાયું છે.