- તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા દરોડા કરાયા
- 60 કંપનીને 25 લાખનો દંડ ફટકારાવામાં આવ્યો
- એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ જેવી 60 કંપનીને દંડ
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની ફરિયાદોના વધી છે. જે મામલે સરકાર પણ સક્રિય બની છે. જેને પગલે તોલમાપ અને ગ્રાહક સુરક્ષા તંત્ર દ્વારા ઇ-કોમર્સ કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ ઇ કોમર્સ સાથે સંકળાયેલ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, સ્નેપડીલ, સ્વિગી, ઝોમેટો, જિયો માર્ટ સહિત 60 કંપનીને 25 લાખનો દંડ ફટકારાવામાં આવ્યો છે. ઇ-કોમર્સ કંપનીઓ સામે દેશમાં પ્રથમવાર તોલમાપ અને ગ્રાહક સુરક્ષા ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
ઓનલાઇન વેચાણ કરતી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ ન હતી. આ કંપનીઓ ગ્રાહકોને યોગ્ય જાણકારી પણ આપતી ન હતી. ડિસેમ્બરમાં મોટા ભાગની ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા મોટા પાયે સેલ જાહેર કરાય છે અને આ દિવસોમાં મોટા પાયે વેચાણ પણ થાય છે, જેથી છેતરપિંડીના કિસ્સા પણ વધુ બને છે. ત્યારે રાજ્યના તોલમાપ વિભાગે આ સમય પસંદ કરી ડ્રાઇવ ચલાવી છે. તોલમાપ-ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરીએ અગાઉ મલ્ટિપ્લેક્સ, હોટેલ રેસ્ટોરાં, હાઇવે હોટલો અને અન્ય એકમો સામે કાર્યવાહી કરી છે.
ઇ-કોમર્સ કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ કરતી હોવાથી અને તેમની ઓફિસ પણ ગુજરાતમાં ન હોવાથી તેમની તપાસ પણ ઓનલાઇન જ કરવી પડે અને પુરાવા ઓનલાઇન મેળવવા પડે તેમ હતા. આથી દરેક જિલ્લાના 100 અધિકારી- કર્મચારીઓને આઈટીની તાલીમ અપાઈ હતી.
મોટા ભાગની કંપનીઓએ તેમની એપ કે વેબસાઇટ પર ગ્રાહકોની ફરિયાદ કે મુશ્કેલી માટે પોતાનું ઓફિસ એડ્રેસ, ટોલ ફ્રી નંબર, ઇમેઇલ જેવી વિગતો દર્શાવી ન હતી. કેટલીક કંપનીઓએ પોતાના પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકેલી વસ્તુઓમાં નિયમ મુજબની મેન્યુફેક્ચરિંગ ડેટ, વજન, એમઆરપી, એક્સપાયરી ડેટ, એડ્રેસ વગેરે દર્શાવાયું ન હતું. તો વળી કેટલીક કંપનીઓએ પ્રોડક્ટનો એક્ચ્યુઅલ ફોટો મૂક્યો ન હતો. ઓનલાઇન ફૂડ ડિલીવરી કંપનીઓ દ્વારા એપમાં મૂકાતા મેન્યુમાં વાનગીઓનું વજન દર્શાવાતું ન હતું.