રાજ્યમા ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર એલર્ટ
રાજેન્દ્ર ત્રિવેદી સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ પહોંચ્યા
કલેક્ટર્સને એલર્ટ રહેવા અપાઈ સૂચના-રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. નદી નાળા અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. તો બીજી તરફ એવા ઘણા વિસ્તારો છે જ્યાં વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક કોઝવે ધોવાતા ગામો સંપર્ક વિહોણા થયા છે તો બીજી તરફ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવાની સૂચના અપાઇ છે. ત્યારે રાજ્યમાં આવી પરિસ્થિતિને લઇને તંત્ર એલર્ટ થયું છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. જે અંતર્ગત રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે વહિવટી તંત્ર સાથે બેઠક કરી. આ બેઠક 33 જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં કંટ્રોલ રૂમ ખાતેની કામગીરી અને સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું કે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા તેમજ NDRFના ડિપ્લોઈમેન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ તમામ જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે, રાજ્ય (Gujarat) માં છેલ્લા 2 કલાકમાં 47 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. સવારના 10થી બપોરના 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના કોડીનારમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો માંગરોળમાં 1.8 ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં 1.5 ઈંચ વરસાદ, સતલાસણમાં 1.3 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 0.8 ઈંચ વરસાદ, વેરાવળમાં 0.8 ઈંચ વરસાદ, કુતિયાણામાં 0.8 ઈંચ વરસાદ, જામનગરમાં 0.8 ઈંચ વરસાદ, ભુજમાં 0.8 ઈંચ વરસાદ, કેશોદમાં 0.8 ઈંચ વરસાદ અને ધરમપુરમાં 0.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.