ગુજરાતની ડબલ એન્જિન સરકારે જગતનાં તાતને રાહત પેકેજ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિમાં નુકસાની વહોરેલા ખેડૂતોને 1492.62 કરોડની રાહત રાજ્ય સરકારે આપી છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અન્નદાતા મહામુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. બિયારણ સહિતની વસ્તુઓ મોંધી થતા હાલાકીનો સામનો કરવો પડતો હતો. ઉપરાંત વાવાઝાડા સહીતનાં વરસાદે વેરેલા વિનાશે જગતનાં તાતને કમરતોડ ફટકો આપ્યો હતો. પડ્યા પર પાટુંનાં ઘાટ સર્જાતા ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી. જેને લઇને ખેડૂતોએ રાજ્ય રસકાર સમક્ષ રાહત પેકેજની માગ કરી હતી. રાજ્ય સરકારે ખેડૂતોની માગ સંતોષી દિવાળી સમયે રાહત પેકેજ જાહેર થતા જગતનાં તાતે રાહતનો શ્વાસ ખેંચ્યો છે.
20 જિલ્લાનાં ખેડૂતોને મળશે લાભ
રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલનાં નિવેદન મુજબ ઓગસ્ટમાં વરસેલા વરસાદના કારણે ડાંગર, સોયાબીન, મગફળી જેવા પાક બગડી જતાં જે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો તેવા ખેડૂતોને રાજ્ય સરકાર સહાય કરશે. રાજ્ય સરકારે 1419.62 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં 20 જિલ્લાના 136 તાલુકાના ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યોં છે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે. 6 હજારથી વધુ ગામોના આશરે 7લાખ ખેડૂતોને આ સહાય પેકેજનો લાભ મળી શકશે. ઉલ્લેખનિય છે કે 8 લાખ હેકટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને તેમાં નિયમો હેઠળ સહાય ચુકવવામાં આવશે. આ સહાય પેકેજ ફક્ત ઓગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલાં નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલાં પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. ખેડૂતોને સહાય માટે રાજય સરકાર વિચાર કરશે. ઓગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના સુરેન્દ્રનગર, દ્વારકા, આણંદ, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જૂનાગઢ, પંચમહાલ, નવસારી, વડોદરા, મોરબી, જામનગર, સુરત, પાટણ વગેરે જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.