PM મોદી પાવાગઢ મંદિરે રૂ.137 કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ
PM મોદી કાલિકા માતાના નવનિર્મિત શિખર પર કર્યુ ધ્વજારોહણ
હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું દેશના લોકોની સેવા કરતો રહું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાવગઢ શક્તિપીઠ સ્થિત મહાકાળી માતાનાં દર્શન કર્યા હતા. શક્તિપીઠના નવનિર્મિત શિખર પર PM મોદીએ ધ્વજારોહણ કર્યું હતું અને સાથે જ માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ હતી. ઉલ્લેખનીય છે કે 500 વર્ષ પહેલાં આક્રમણખોરોએ મહાકાળી માતાના મંદિરના શિખરને ખંડિત કર્યું હતું ને ત્યારથી અહીં ધજા નહોતી. વડાપ્રધાનના માર્ગદર્શનમાં મંદિરના જીર્ણોદ્ધાર સાથે નવનિર્મિત શિખર બન્યું, એના પર આજે 5 સદી બાદ પહેલીવાર ધજા લહેરાઈ હતી.
આજે સવારે માતા હીરાબાને મળ્યા બાદ વડાપ્રધાન મોદી પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં મહાકાળી માતાનાં દર્શન કરીને PM મોદીએ વિકાસકામોનું લોકાર્પણ કર્યુું હતું અને ત્યાર બાદ શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેઓ પાવાગઢથી વડોદરા આવવા માટે નીકળી ગયા છે.
આ પ્રસંગે પાવાગઢમાં સંબોધન દરમિયાન PM મોદીએ ભાવુક થઈને કહ્યું, હું મહાકાળીને પ્રાર્થના કરું છું કે તેમના આશીર્વાદથી હું ઉર્જા અને સમર્પણ સાથે દેશના લોકોની સેવા કરતો રહું. તેમણે જણાવ્યું હતું કે, મારુ જે પણ સાર્મથ્ય છે મારા જીવનમાં જે કોઈ પણ પુણ્ય છે. તે દેશની માતાઓ અને બહેનાના કલ્યાણ માટે દેશ માટે સમર્પિત કરું છું. ગરવી ગુજરાતની ધરતીથી મા કાલીની ચરણોથી હું દેશની આઝાદીનો અમૃત મહોત્સવનો સ્મરણ કરું છું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદીની લડાઈ માટે આપ્યું છે. તેટલું જ દેશના વિકાસ માટે આપ્યું છે. ગરવી ગુજરાત ભારતના શાન અને ગૌરવની ઓળખ છે. ગુજરાતે ભારતના વ્યાપારનું પણ નેતૃત્વ કર્યું છે.અને ભારતની આદ્યાયતમિકતાને પણ સંરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.