કાલીકાંકરના રોફળોમાં પરવાના વગરની બંદૂક ધરાવતા શખ્સે જ ગોળીઓ છોડી
બૂમાબૂમ થતાં ટોળાએ પથ્થરમારો કર્યો
પોલીસકર્મીના થાપામાં ગોળી વાગી, SP, ડીવાયએસપી સહિત પોલીસ દોડી
સાબરકાંઠા જિલ્લાન પોશીનાના કાલીકાંકરના રોફળોમાં રહેતો શખ્સ પરવાના વગરની બંદૂક ધરાવતો હોવાની બાતમી મળતાં પોશીના પોલીસે બુધવારે સવારે રેડ કરતાં આ શખ્સ ઘરમાં ધસી આવ્યો હતો અને પોલીસે કબ્જે લીધેલ દેશી બંદૂક આંચકી લઇ લોડેડ બંદૂકનું સીધું ફાયર ખોલી દેતાં પોલીસકર્મી અમિતભાઇ સાવનભાઇ મોડીયાના થાપાના ભાગે છરો વાગી ગયો હતો દરમિયાનમાં દોડી આવેલ ટોળાએ પથ્થર મારો શરૂ કરી દેતાં પાંચ પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા.પોશીના પોલીસને કાલીકાંકર ગામના રો ફળોમાં રહેતા જોશીભાઇ તેજાભાઇ ગમાર ગેરકાયદે બંદૂક ધરાવતા હોવાની બાતમી મળતા તા.01-06-22 ના રોજ સવારે સાડા દસેક વાગ્યે રો ફળોમાં પહોંચી જોશીભાઇ તેજાભાઇ ગમારના મકાનમાં તપાસ હાથ ધરતા દેશી બંદૂક મળી હતી.પોલીસે ઘરમાં રેડ કરતા મહિલાઓએ બૂમાબૂમ કરતા જોશીભાઇ તેજાભાઇ ગમાર ઘરમાં ધસી આવ્યો હતો
પોલીસ પાસેથી બંદૂક આંચકી લઇને સીધુ ફાયરિંગ કરતા બંદૂકમાંથી વછૂટેલા છરા પોલીસકર્મી અમિતભાઇ સાવનભાઇ મોડીયાના સાથળના ભાગે ઘૂસી જતાં ગંભીર ઇજા થઇ હતી અને દોડધામ મચી હતી બાજુમાં જ લગ્ન પ્રસંગ હોઇ 100થી વધુ માણસોનું ટોળુ દોડી આવ્યુ હતુ અને પોલીસ પર પથ્થર મારો શરુ કરતાં વધુ ચાર પોલીસ કર્મી ઘવાયા હતા.ઘટનાની જાણ કંટ્રોલમાં કરાતા એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, જિલ્લાની પોલીસ તથા બ.કાં. પોલીસ પણ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત પોલીસકર્મી અમિતકુમાર સાવનભાઈ મોડીયા અને અભિજિતસિંહ સાવનસિંહ જેતાવતને ગંભીર ઈજાને પગલે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ફાયરિંગની ઘટનાને પગલે ચકચાર મચી હતી.પોશીના પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારાથી હુમલો થયા બાદ વધુ પોલીસકૂમક દોડી આવતાં જમણવાર પડતું મૂકી ટોળુ ડુંગર ઉપર ચઢી ગયુ હતુ. પોલીસે ઘેર ઘેર ફરી કોમ્બિંગ કરવા છતાં એક પણ ઘેર કોઇ હાજર ન હતું. દિવસ દરમિયાન પોલીસના પ્રયાસો છતા ડુંગર પર ચઢેલ ટોળાએ ચિચિયારીઓ પાડતાં રહી પોલીસને નાસીપાસ કરી હતી. કેટલાક ડુંગર ઉપરથી જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યા હતા.