અમદાવાદના સાયન્સ સિટીમાં દેશનું સૌથી મોટું એક્વેરિયમ આવેલું છે. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે.જે જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો
260 કરોડ રૂપિયાના ખર્ચે સાયન્સ સિટીમાં બન્યું એક્વેરિયમ
એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓ જોવા મળશે
એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની માછલીઓ જોઈ શકાશે
અમદાવાદ શહેરના સાયન્સ સિટીમાં ગુજરાતનું પહેલું ફિશ એક્વેરિયમ તૈયાર થયું છે. જેનો નજારો જોઈને ખુદ તમે પણ દંગ રહી જશો. અહીં દુનિયાભરની માછલીઓ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અમદાવાદના સાયન્સ સિટીમાં આ એક્વેરિયમ દેશનું સૌથી મોટું એક્વેરિયમ છે. આ એક્વેરિયમમાં વિશ્વભરની દરિયાઈ પ્રજાતિઓને નજર સમક્ષ જોવા ઉપરાંત ખાસ દરિયાઈ સૃષ્ટિ પર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શાળામાં ભણતાં નાના બાળકોને માહિતીની સાથે મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
એક્વેરિયમમાં 188 પ્રકારની માછલીઓ જોઈ શકાશે
સાયન્સ સિટીમાં બનાવાવેલા એક્વેરિયમમાં દેશ વિદેશની લગભગ વિવિધ જાતની લગભગ 11690 જેટલી માછલીઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આ એક્વેરિયમમાં ભારતીય ઝોનની 20 પ્રજાતિ, એશિયન ઝોનની 21 પ્રજાતિ, અમેરીકન ઝોનની 31 પ્રજાતિ, આફ્રીકન ઝોનની 16 પ્રજાતિ, ઓશિઅન ઓફ ધ વર્લ્ડની 58 પ્રજાતિ અલગ અલગ ટેન્કમાં જોવા મળશે.
આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે
સાયન્સ સિટીના આ એક્વેરિયમની વચ્ચે એક ટનલ બનાવવામાં આવી છે, જેમાં પહોંચતા જ તમે પાણીની જીવ સૃષ્ટિમાં પહોંચી ગયા હોવ તેવો અનુભવ થશે. આ એક્વેરિયમ નિહાળીને એક અનોખો રોમાંચ પણ તમે અનુભવશો તે નક્કી છે. અહીં દેશ વિદેશની રાખવામાં આવેલી માછલીઓની વાત કરવામાં આવે તો સેડલ્ડ સી બ્રિમ, સેલેમા પોઝી, ગોલ્ડ બ્લોચ ગ્રુપર, મુન જેલીફિશ, કોમન કટલ ફિશ, સેન્ડબાર્ક સાર્ક, સેલ્ફીન ટેંગ, કન્ચીફ્ટ ટેંગ, પાઉડર બ્લ્યુ ટેંગ, ગ્રે રીફ શાર્ક, ઝીબ્રા શાર્ક જેવી માછલીઓનો નજારો જોવા મળશે. આ સિવાય એક્વેરિયમમાં જળચર આધારિત એનિમેશન ફિલ્મ, કલાત્મક સ્થાપનો, ઈન્ટરેક્ટીવ પ્રદર્શન, 5 ડી થિયેટર અને ઓટોનોમી ઓફ ફિશ તથા તમારી પોતાની માછલી બનાવવાનુ આકર્ષણ જોવા મળશે.
એક્વેરિયમની વિશેષતાઓ
– 40 લાખ લિટર પાણીથી બનેલી આ ગેલેરી પાછળ 260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે
– આ એક્વેટિક ગેલેરીમાં 188 પ્રકારની લગભગ 12 હજાર જેટલી માછલીઓ જોઈ શકાશે.
– અહીં માછલીઓની અનુકૂળ તાસીર અને જરૂરિયાત મુજબ જે-તે ટેન્કમાં સતત શુદ્ધ પાણી નાખી નારું કે સેન્દ્રિય પાણી બનાવીને નવું પાણી ઉમેરવામાં આવે છે.
– દરેક ટેન્કની પાછળ સ્વયં સંચાલિત સિસ્ટમ મૂકવામાં આવી છે, જે પાણીનું સતત અવલોકન કરે છે.
– આ એક્વેટિક ગેલેરી છ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓશન ઓફ ધ વર્લ્ડ અને મેઈન શાર્ક ટેન્ક
– બાકીની ટેન્કમાં બાજુમાથી પસાર થતાં જોઈ શકાશે, જ્યારે શાર્ક ટેન્કમાં તમે 27 મીટર લાંબી ટનલમાંથી ચારે તરફ શાર્ક અને અન્ય માછલીઓ તરતી હોય તેવી થીમ સાથે એક્વેરિયમની ટનલમાંથી પસાર થઈ શકશો
– આ ટેન્કમાં 11 પ્રકારની શાર્ક જોઈ શકાશે
– અન્ય ટનલમાં પણ જે-તે ઝોનની માછલીઓ મુજબ તેની થીમ ડિઝાઈન કરવામાં આવી છે
– સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ આ ગેલેરીમાં સમાવાશે કરાયો છે
શું છે એક્વેરિયમની ટિકીટના ભાવ
– સાયન્સ સીટીમાં આવેલા એક્વેરિયમમાં જવા માટે પાર્કિંગ અને એન્ટ્રી ફીના 50 રૂપિયા ચાર્જ આપવો પડશે
– જો તમે માત્ર એકવેરિયમની મુલાકત લેવા માંગતા હોવ તો વ્યક્તિ દીઠ એક માણસે 200 રૂપિયાનો ચાર્જ આપવો પડશે
-આ સાથે જો તમારે એક્વેરિયમની સાથે સાયન્સ સિટીમાં આવેલા અન્ય જગ્યાની મુલાકાત લેવી હોય તો કોમ્બો ઓફર પણ છે જેમાં વ્યક્તિ દીઠ 499 રૂપિયા ચૂકવવાના રહેશે