હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇને આગાહી કરતા કહ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે.’
ગુજરાતમાં સારા ચોમાસાની અંબાલાલ પટેલની આગાહી
15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે
સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ પહેલાં ચક્રવાત આવશે
ગુજરાતમાં ગરમી કહે મારું કામ. રાજ્યમાં લોકો અંગ દઝાડતી ગરમીથી રાહત મેળવવા સ્વિમિંગ પુલ, નદી-તળાવ કે સમુદ્રમાં સ્નાન કરીને ઠંડકનો અહેસાસ કરી રહ્યાં છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું ખૂબ સારું રહેશે તેવી આગાહી કરી છે. 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. તો બીજી બાજુ હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે.
અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, 15 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ શરૂ થશે. જ્યારે 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રાજ્યમાં 24 મેથી 6 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત આવશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.
રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.
તમને જણાવી દઇએ કે, ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે. વર્ષ 2021માં આંદમાન-નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે.
ગુજરાતમાં સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસશે. જૂનના પ્રારંભે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે. અમદાવાદમાં 43-44ની આસપાસ જ હવે તાપમાન રહેશે. કારણ કે, આગામી 3-4 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશાનો પવન ફુંકાવવાનો શરૂ થઇ જશે. જેના કારણે અરબી સમુદ્રમાંથી જે હવા આવશે તે તાપમાન વધવા નહીં દે.’