ભારતીય આર્મીની અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIના એજન્ટને પહોંચાડી દેશ વિરુદ્ધ ગુનાહિત કાવતરું કરનાર ઈસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે તેમજ પોલીસ તપાસમાં ચોકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમના ધ્યાનમાં આવ્યું હતું કે, દીપક સાળુંકે નામનો ઇસમ પાકિસ્તાની ISI એજન્ટ હમીદ નામના ઇસમ સાથે સંપર્કમાં રહી આર્મીની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી દુશ્મન દેશ પાકિસ્તાનને મોકલી આર્થિક ફાયદો મેળવી રહ્યો છે. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી દીપક સાળુંકેને ઝડપી પાડ્યો હતોપોલીસ દ્વારા તેની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, દીપકે પોતાના ફેસબુક મેસેન્જર દ્વારા તથા વોટ્સએપના માધ્યમથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના હમીદ નામના ઇસમના સંર્પકમાં રહી ભારતીય સીમકાર્ડ મળેવી આપવા તેમજ ભારતીય આર્મીની ઇન્ફન્ટ્રી, રેજિમેન્ટ, આર્ટીલરી તથા બ્રિગેડની માહિતી તેમજ ભારતીય સેનાના વાહનોની મુવમેન્ટ અંગેની અતિ ગુપ્ત અને સંવેદનશીલ માહિતી શેર કરી હતી.
આ માહિતીના અવેજ તરીકે ISI એજન્ટ હમીદ તરફથી જુદા જુદા ઇસમોના બેંક એકાઉન્ટ મારફતે રોકડ રકમ તથા બેન્ક મારફતે USDTનું ટ્રાન્જેકશન કરી કુલ 75,586 રૂપિયા આપ્યા હતાપોલીસે જણાવ્યું હતું કે, ISI એજન્ટ દ્વારા સૌ પ્રથમ ફેસબુક યુઝરને હનીટ્રેપ દ્વારા ફસાવવામાં આવે છે અને ત્યારબાદ તેમની પાસેથી સંવેદનશીલ અને ગુપ્ત માહિતી તેમજ સીમકાર્ડ નબર મેળવવા પ્રયત્ન કરવામાં આવે છે. આ કેસમાં પણ સૌ પ્રથમ પૂનમ શર્માના સોશિયલ મીડિયા દ્વારા દીપક સાળુંકે સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ દીપકનો વિશ્વાસ કેળવી પોતાની અસલ ઓળખ હમીદ તરીકે આપી હતી.
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા હવે ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા તેના 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીએ જે ફોટા મોકલ્યા છે તે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા, અત્યાર સુધી કોઈ સીમકાર્ડ મોકલ્યા છે કે કેમ તેની તપાસ, આ ઉપરાંત તેના બેંક ખાતા તેમજ ટ્રાન્જેકશનની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય તપાસનો ધમધમાટ પોલીસે શરુ કર્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આરોપી દીપક સાળુંકેના 21 ડીસેમ્બર એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.