Gujarat News: ફળોમાં રાજા ગણાતા કેરીનો પાક આ વખતે મોડો અને ઓછો આવે તેમ છે. આંબાઓને સાનુકૂળ વાતાવરણ ન મળવાથી ફલાવરીંગ ખુબ જ મોડું આવ્યું છે અને પ્રમાણમાં ઓછું આવ્યું છે. હાલ જે ફલાવરીંગ આવ્યું છે તેમાં પણ ખરણ શરૂ થઈ જતા આંબાવાડીયું ધરાવતા ખેડૂતોમાં ચિંતા છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે કેરીના ઉત્પાદનમાં 40% જેટલો ઘટાડો થાય તેવો વૈજ્ઞાનિકોનો અંદાજ છે.
કેરીનું નામ પડતા લોકોના મોંમાંને પાણી આવી જાય છે. આંબાઓ પર કેરી આવતા પહેલા મોર આવે છે. મોર આવવાની શરૂઆત શિયાળામાં થતી હોય છે. શિયાળામાં રાત્રીના 15 ડિગ્રી અને દિવસે ૨૫ ડિગ્રી તાપમાન રહે તો આંબામાં ફલાવરીંગ ખૂબ જ સારૂ અને સમયસર આવે છે. પરંતુ આ વખતે શિયાળામાં શિયાળા જેવી ઠંડી જ ન પડવાથી આંબામાં ફલાવરીંગ આવવાની શરૂઆત જ બે માસ મોડી શરૂ થઈ છે.
આંબામાં કેરી પાકતા પહેલા શરૂઆતમાં ઠંડીનું વાતાવરણ અને ત્યારબાદ ગરમીના વાતાવરણની જરૂરીયાત રહે છે. શિયાળાની સિઝનમાં જરૂરીયાત મુજબની ઠંડી ન પડતા ફલાવરીંગ ખુબ જ મોડું શરૂ થયું છે.
આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વડા ડો. ડી.કે. વરૂએ જણાવ્યું હતું કે, “ગત વર્ષે ચાર તબક્કે ફલાવરીંગ આવ્યું હતું. ખુબ જસારો એવો કેરીના પાકનું ઉત્પાદન આવ્યું હતું જેના કારણે ખેડૂતોને પણ સારૂ વળતર મળ્યું હતું. આ વખતે જાન્યુઆરીના અંત સમયે આંબાઓમાં ફલાવરીંગ આવવાનું શરૂ થયું હતું જે ફેબ્રુઆરીના પ્રથમ અને બીજા અઠવાડીયા સુધી શરૂ રહ્યું હતું. હાલ આંબાઓમાં મોર આવ્યા પછી મગીયો બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે.”