Gujarat Monsoon: ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂનનાં ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વર્ષે 20 જૂનનાં ચોમાસાનું આગમન થવાનો અંદાજ છે. તેમજ આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ઉત્તર ગુજરાતમાં મગફળી, દીવેલા, કપાસનું બમ્પર વાવેતર થવાનો અંદાજ છે.
01. મહેસાણા: ઉત્તર ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂને ચોમાસાનું આગમન થતું હોય છે. ત્યાર બાદ 5 દિવસમાં એટલે કે 30 જૂન સુધીમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચોમાસુ જોર પકડતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસુ નિયત સમય કરતાં ઝડપી આગળ વધી રહ્યું છે.
02. પરિણામે આગામી 20 જૂનની આસપાસ ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. તેમજ 11 તારીખ સુધી વાતાવરણ વાદળછાયુ રહી શકે છે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.
03. સારા ચોમાસાની આસપાસ ઉત્તર ગુજરાતમાં પ્રથમ તબક્કાના કપાસની વાવણી શરૂ થઇ ગઇ છે. કૃષિ વિભાગના અંદાજ મુજબ, ચાલુ સાલે 16.27 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ છે. 5 જિલ્લામાં ખરીફ સીઝનનો વાવેતરનો અંદાજ જોઇએ તો, બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 6.14 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઇ શકે છે.
04. આ ઉપરાંત પાટણ જિલ્લાની 3 લાખ હેક્ટર, મહેસાણા જિલ્લાની 2.82 લાખ હેક્ટર, સાબરકાંઠા જિલ્લાની 2.31 લાખ હેક્ટર અને અરવલ્લી જિલ્લાની 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થઇ શકે છે. કપાસના વાવેતર સાથે શરૂ થતી સીઝન દીવેલાના વાવેતર સાથે પૂરી થતી હોય છે.
05. મુખ્ય 6 પાકોના વાવેતરનો અંદાજ જોઇએ તો, ચાલુ સાલે કપાસનું વાવેતર 2 લાખ હેક્ટર પાર જવાની શક્યતા છે. આ ઉપરાંત, મગફળીનું વાવેતર 2.90 લાખ હેક્ટર, દીવેલાનું વાવેતર 2.90 લાખ હેક્ટર, બાજરીનું વાવેતર 1.30 લાખ હેક્ટર, અડદનું વાવેતર 59 હજાર હેક્ટર અને મગનું વાવેતર 15 હજાર હેક્ટરની આસપાસ થવાનો અંદાજ કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
06. ઉત્તર ગુજરાતમાં પાછલા દિવસોએ ભેજવાળો ગરમ પવન ફૂંકાયો હતો. દિવસના તાપમાનમાં એક ડિગ્રી સુધીનો ઘટાડો થવા છતાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર રહ્યો હતો. પાટણ 42.2 ડિગ્રી અને હિંમતનગર 42.1 ડિગ્રી તાપમાનના કારણે ઉત્તર ગુજરાતના સૌથી ગરમ શહેર રહ્યા હતા. મોડાસાને બાદ કરતાં ઉત્તર ગુજરાતના 4 શહેરોમાં આકરી ગરમીનું જોર યથાવત રહ્યું હતું.
07. મહેસાણામાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. વધુ પડતાં ભેજથી 43 ડિગ્રી ગરમીનો અનુભવ થયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, 10 તારીખે બપોર પછી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં, જ્યારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં મોડી સાંજ બાદ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.
08. વાતાવરણની આ સ્થિતિ આગામી 11 જૂન સુધી વાતાવરણની આ સ્થિતિ યથાવત રહી શકે છે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારો ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.