ગીર સોમનાથને મેઘરાજાએ ફરી ધમરોળ્યું
હિરણ-2 ડેમના 3 દરવાજા ખોલાયા
વેરાવળમાં 5 અને સુત્રાપાડામાં 4 ઇંચ વરસાદ
ગીર સોમનાથ જિલ્લામાં ગત મોડી રાત્રિથી ફરી મેઘમહેર શરૂ થઈ છે. સવાર સુધીમાં સાર્વત્રિક 2થી 5 ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતાં પાણી પાણી થઈ ગયું છે. જિલ્લામાં વેરાવળ-સોમનાથમાં 5 ઇંચ, સુત્રાપાડામાં 4, તાલાલામાં 3 અને કોડીનાર, ઉના અને ગીર-ગઢડામાં 2-2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગે ઉપર ઠેર-ઠેર પાણી ફરી વળ્યાં હતાં તેમજ ત્રણ તાલુકાનો જીવાદોરી સમાન હિરણ-2 ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો, જેથી ડેમના 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે.
ગઈકાલે આખો દિવસ વરસ્યા બાદ સાંજે થંભી ગયેલી મેઘસવારી મોડી રાત્રિના ફરી શરૂ થઈ હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં સવારે વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિના 2થી સવારે 10 વાગ્યા સુધીમાં વેરાવળ-સોમનાથમાં 120 MM (5 ઇંચ), તાલાલામાં 70 MM(3 ઇંચ), સુત્રાપાડામાં 98 MM (4 ઇંચ), કોડીનારમાં 45 MM (2 ઇંચ), ઉનામાં 44 MM (2 ઇંચ), ગીર-ગઢડામાં 50 MM (2 ઇંચ) વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સતત વરસાદને પગલે સર્વત્ર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
વેરાવળ-સોમનાથ પંથકમાં ગત મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ સવાર સુધીમાં 5 ઇંચ જેટલો વરસતાં ઠેર-ઠેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેમાં શહેરના ડભોર રોડ, તપેશ્વર મંદિર રોડ, સુભાષ રોડ, ગાંધીચોક રોડ, અમરદીપ ક્લિનિક રોડ, એસટીના રસ્તાઓમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં નદીઓ વહેતી જોવા મળી હતી. જ્યારે શહેરમાં આદિત્ય પાર્ક સહિતની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરના માર્ગે ઉપર ગટરો ઊભરાઈ જતાં દુર્ગંધ ફેલાઈ હતી. એને લઈ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
વેરાવળ-સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા ત્રણ તાલુકાના જીવાદોરી સમાન હિરણ-2 (ઉમરેઠી) ડેમમાં છેલ્લા 24 કલાકમાં 50 ટકાથી વધુ પાણીની આવક થતાં ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો, જેથી ડેમનું સ્ટોરેજ લેવલ જાળવવા સવારે 3 દરવાજા 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ હેઠળ આવતા વેરાવળ અને તાલાલા તાલુકાના કુલ 13 ગામને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં તાલાલા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ અને વેરાવળ તાલુકાના ભેરાળા, મંડોર, ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી ગામના લોકોનો સતર્ક રહેવા અને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી હોવાનું ડેમ અધિકારી સિંઘલે જણાવ્યું છે.
વેરાવળ પંથકના આંબલિયાળા ગામમાંથી પસાર થતી દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેથી ગામના રસ્તાઓ પર નદીઓ માફક પાણી વહેતાં થયાં હતાં તેમજ નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. આવી જ પરિસ્થિતિ તાલુકાનું ભેરાળા ગામમાં પણ જોવા મળી હતી. ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકોને જોડતા મોટા ભાગના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર બંધ થયો હતો. જેથી ગ્રામજનોને હાલાકી પડી રહી છે. પંથકની નદી-નાળાંમાં પણ ભરપૂર વરસાદી પાણીની આવકના પગલે ધસમસતાં પાણી વહેતાં જોવા મળી રહ્યાં હતાં. પંથકની દેવકા, સરસ્વતી અને હિરણ નદીમાં પૂરની માફક પાણી વહેતાં જોવા મળતાં હતાં.
વેરાવળમાં પણ ભારે વરસાદ વરસ્યો છે તેમજ હજુ પણ વરસાદની શક્યતા છે ત્યારે મેરીટાઇમ બોર્ડ દ્વારા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. સમુદ્રમાં ઊંચા ઊછળતા મોજા અને ભારે પવનોને કારણે માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે.