ગુજરાતના દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. આ વખતે 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને કોસ્ટ ગાર્ડે મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં આ ડ્રગ્સ ઝડપાયું છે. ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઝડપાયેલું ડ્રગ્સ આશરે 40 કિલોગ્રામ છે. મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું. ડ્રગ્સ સાથે પાકિસ્તાના છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં મોકલવાનું હતું.
ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ નેટવર્ક મામલે તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક સામે એક્શન લે છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ડ્રગ્સ પકડે છે. ગુજરાત પોલીસ વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સ સામે કાર્યવાહી કરે છે. અનેક રાજ્યમાંથી ગુજરાત પોલીસે વિવિધ એજન્સીઓ સાથે મળી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યો હતો. અનેક એજન્સી સાથે મળી ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પર ગોળીનો સામનો કરીને ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.
‘અનેક રાજ્યના ડ્રગ્સના નેટવર્ક તૂટવાને કારણે ગુજરાત પોલીસને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યાં છે. જે લોકોએ મહેલોમાં જીવન ગુજાર્યું હોય, ક્યારેય જમીન પર ઊતર્યા ના હોય તે લોકો હવે ગુજરાત પોલીસને બદનામ કરી રહી છે. એવા સૌ લોકોને ગુજરાત એટીએસએ સણસણતો જવાબ આપ્યો છે. માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ગુજરાત પોલીસે ભારત સરકારની વિવિધ એજન્સીઓની મદદથી ડ્રગ્સના નેટવર્ક તોડ્યાં છે.’
‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશો ડ્રગ્સના રૂપિયાને કયા રસ્તે વાપરે છે તે આપણે સૌ જાણીએ છીએ. અમે ડ્રગ્સ પકડીએ છીએ તો પકડાય છે. કોઈ સુરત ક્રાઇમબ્રાન્ચમાં સામે ચાલીને આવીને જમા કરાવી જતું નથી. સાહસથી આ કામગીરી કરવી પડે છે. ગુજરાત પોલીસ આ કામમાં આગળ પણ કાર્યવાહી કરતી રહેશે તેમાં કોઈપણ પ્રકારની પીછેહઠ કરવાની નથી.’