ગુજરાતમાં નશાનો કારોબાર દરરોજ વધી રહ્યો છે. યુવાધનને ગેર માર્ગે દોરવા માટે રાજ્યમાં નશીલા પદાર્થ ઘુસાડીને ખોટા રસ્તે લઈ જવામાં આવી રહ્યા છે. ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કરોડ રૂપીયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે નશાનો કારોબાર કેટલી હદે વધી ગયો છે. હાલમાં જ જામનગરમાંથી 10 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.
મળતી માહિતી મુજબ જામનગર નેવનલ ઈન્ટેલિજન્સની ટીમે ચોક્કસ બાતમીના આધારે શરૂ સેકશન રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં એક શંકાસ્પદ શખ્સને રોકી તલાશી લેતા તેના કબજામાંથી 10 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની અંદાજિત કિંમત 6 કરોડ રૂપિયા ગણવામાં આવી રહી છે.
જામનગર શહેરના સેકશન રોડ પરથી 6 કરોડની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે નેવલ ઈન્ટેલિજન્સની ટીમે એક શખ્સની અટકાયત કરી છે. આ મામલામાં વધુ ત્રણ શખ્સોના નામ ખૂલ્યા હોવાનું સામે આવ્યું છે.ડ્રગ્સ સાથે ઝડપાયેલા શખ્સની નેવલ ઈન્ટેલિજન્સ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ ત્રણ શખ્સોની સંડોવણી હોવાનો ખુલાસો થયો હતો.
હાલ આ મામલે આરોપી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાનો હતો તેને લઈને પણ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.