ગાંધીનગર હવે વૃક્ષોથી આચ્છાદિત નથી
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો સામે આવ્યાં
વિકાસને કારણે 30 ટકા વૃક્ષો કાપી નાખવા પડ્યાં
કહેવાય છે કે અમદાવાદીઓએ ભરઉનાળે થોડીક પણ ઠંડક જોઈતી હોય તો ગાંધીનગર જતા રહેવાનું. ત્યાં એટલાં બધાં વૃક્ષો છે કે ચારેક ડીગ્રી ગરમી ઓછી થઈ જાય. ગાંધીનગરની ઓળખ જ લીલાંછમ શહેર તરીકે થાય છે, પણ હમણાં જે સર્વે રિપોર્ટ સામે આવ્યો એ ચોંકાવનારો છે. આ રિપાર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ પ્રકાશિત કર્યો છે. એમાં એવી લાલ લાઇટ બતાવાઈ છે કે ગાંધીનગરનાં વૃક્ષો હવે ઘટાદાર રહ્યાં નથી. આમ પણ છેલ્લાં સાત વર્ષમાં 30 ટકા વૃક્ષો ઓછાં થઈ ગયાં છે. આ રિપોર્ટ પછી ગુજરાતના વનતંત્રે એવું નક્કી કર્યું છે કે ગાંધીનગરની ઘટી ગયેલી વૃક્ષોની ગીચતા પાછી મેળવવા 22 લાખ વૃક્ષ વાવવામાં આવશે.
ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ ચેતવણી આપી છે કે રાજ્યની રાજધાની ગાંધીનગરે 2017 અને 2019ની વચ્ચે વૃક્ષોનું ગાઢ આવરણ ગુમાવી દીધું છે. અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીનગરમાં મધ્યમ ગાઢ જંગલ વિસ્તાર, 40-70% સાથે કેનોપી ડેન્સિટી (ગાઢ લીલું આવરણ) માત્ર 10-40% વૃક્ષોની ગીચતા ધરાવતો ખુલ્લો વિસ્તાર બની ગયો છે. લીલું ગાંધીનગર હવે એટલું લીલું નથી રહ્યું જેટલું પહેલાં હતું. આની પાછળનું સૌથી મોટું કારણ વિકાસને માનવામાં આવે છે. ગાંધીનગરમાં છેલ્લા દસકામાં નવા-નવા પ્રોજેક્ટ બન્યા, એમાં ગિફ્ટસિટી, મેટ્રો રેલ પ્રોજેક્ટ, ફ્લાય ઓવર્સ, આઇકોનિક રેલવે સ્ટેશન…
આ બધા પ્રોજેક્ટ્સને કારણે વૃક્ષો ટૂંકા કરવા પડ્યાં અથવા તો તદ્દન કાપી નાખવા પડ્યાં. ગાંધીનગરમાં હવે તો 30 ટકા વૃક્ષો ઓછાં પણ થઈ ગયાં છે. 2003માં સામાજિક વનીકરણ વિભાગના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ગાંધીનગરમાં દર 100 વ્યક્તિએ 416 વૃક્ષ એ સમયે હતાં. પછી 2015માં 100 વ્યક્તિએ 456 વૃક્ષો થયાં અને ફરી ઘટીને 100 વ્યક્તિએ 412 વૃક્ષ થઈ ગયાં છે, એટલે 2015 પછી જે વૃક્ષો વધ્યાં હતાં, ગીચતા વધી હતી એ ઘટી ગઈ.
2005 પછી ગાંધીનગરમાં વિકાસકાર્યો શરૂ થયાં. 2020 સુધીમાં તો ગાંધીનગર એવું થઈ ગયું કે આકાશમાંથી મકાનના ધાબા, ગલીઓ, રસ્તા દેખાવા લાગ્યાં, જે 2015 પહેલાં નહોતાં દેખાતાં. ત્યારે વિમાનમાંથી ગાઢ વૃક્ષો જ વધારે દેખાતાં હતાં. વરિષ્ઠ વન અધિકારીએ કહ્યું હતું કે અત્યારસુધીમાં વિકાસ થયો અને એને કારણે વૃક્ષો કાપી નાખવા પડ્યા એ પર્યાવરણને મોટામાં મોટું નુકસાન છે અને આ નુકસાન હવે ભરપાઈ કરવામાં આવશે.
હરિયાળું ગાંધીનગર મિશન હેઠળ, GEER ફાઉન્ડેશનના સહકારથી 428 હેક્ટર જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. પુનિત વનની આસપાસના વિસ્તારો, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અને GIDC એસ્ટેટની અંદર 75 હેક્ટરમાં વૃક્ષારોપણ કરાશે. શહેરનાં વિવિધ ક્ષેત્રોમાં બ્લોક પ્લાન્ટેશન અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં 748 હેક્ટરમાં વાવેતર જોવા મળશે. આગામી દિવસોમાં ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં 22 લાખ વૃક્ષો આગામી સમયમાં વવાશે પણ ક્યારે કામ શરૂ થશે અને ક્યારે પૂરું થશે એની સ્પષ્ટતા કરાઈ નથી.