પોલીસે મારા પિતાને આખો દિવસ ટોર્ચર કરીને મારી નાખ્યાઃ પુત્રનો આક્ષેપ
ફરિયાદ નહીં નોંધાઈ તો કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાની ચિમકી
ઘટનાની જાણ થતા કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા દોડી આવ્યા
સુરેન્દ્રનગરના સડલા ગામમાં અમિત બાવળિયા નામના યુવાને 20 દિવસ પહેલા એક યુવતી સાથે પ્રમલગ્ન કર્યા હતા. આ અંગે અમિતના પિતા દેવજીભાઈને પૂછપરછ માટે પોલીસ ઉઠાવી ગઈ હતી. બાદમાં તેનો મૃતદેહ પાછો આપતા પરિવાર રોષે ભરાયો હતો. દેવજીભાઈના મૃતદેહનું સુરેન્દ્રનગર પીએમ કરાવ્યું હતું. પરંતુ પરિવારને સંતોષ ન થતા રાજકોટ સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ માટે દેવજીભાઈના મૃતદેહને ખસેડ્યો હતો. જોકે આજે પરિવાર સહિત 40 લોકો દેવજીભાઈની હત્યા પોલીસે કરી હોવાના આક્ષેપ સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી ગયા છે. તેમજ જ્યાં સુધી જવાબદાર પોલીસ સામે ફરિયાદ દાખલ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
તેમજ ફરિયાદ નહીં નોંધાઈ તો આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.આ અંગેની જાણ થતા જ રાજકોટ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે પહોંચ્યો છે. પરિવાર અને સમાજના લોકોની એક જ માગ છે કે દેવજીભાઈના મોત પાછળ જવાબદાર પોલીસ સામે ફરિયાદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારીશું નહીં. આથી મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્પિટલ એકત્ર થઈ રહ્યા છે. દેવજીભાઈના પુત્ર અમિતે જણાવ્યું હતું કે, મેં 20 દિવસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. એની પૂછપરછ અંગે પોલીસ મારા પિતા અને મારા મિત્ર કુકાને અપહરણ કરી લઈ ગયા હતા. આખો દિવસ મારા પિતાને ટોર્ચર કર્યા હતા. છેલ્લે મારા પિતાનો મૃતદેહ મૂળી હોસ્પિટલ મુકીને બધા ભાગી ગયા હતા.જોકે, આ મામલે ભાજપના પૂર્વ મંત્રી અને જસદણ-વીંછિયાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.
મુલાકાત બાદ કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સામે ગુનો દાખલ થાય તેવી સમાજની લાગણી અને માગણી છે. આ અંગે સ્થાનિક સ્તરે રજુઆત કરવામાં આવી છે. હજુ ગૃહ ખાતા સુધી રજુઆત કરવાની તૈયારી છે. સમાજ ઓછો શિક્ષિત હોવાથી ઘણું સહન કરવું પડે છે. પરંતુ આ વખતે પોલીસ દ્વારા સમાજને અન્યાય થયો છે.અમિતના મિત્ર દિપકે જણાવ્યું હતું કે, અમિતે 20 દિવસ પહેલા પ્રમલગ્ન કર્યા હતા. બાદમાં અમિતના પિતા દેવજીભાઈ અને મને મારા ઘરેથી પોલીસ લઈ ગઈ હતી. બાદમાં ચેતનભાઈના કારખાને લઈ ગયા હતા. ત્યાં અમને ખૂબ જ ટોર્ચર કર્યા હતા. મને એક બાજુ લઈ જઈને દેવજીભાઈને ખૂબ ટોર્ચર કરતા હતા. બાદમાં મેં જોયું દેવજીભાઈનું મોત થયાનું જાણવા મળ્યું હતું. રાજુભાઈ, રમેશભાઈ, દિપકભાઈ અને કલ્પેશભાઈ નામના પોલીસ કર્મી હતા. અમને આમાં ન્યાય મળવો જોઈએ.