આજે ભાદરવી પૂનમના મહા મેળાનો પાંચમો દિવસ છે. ત્યારે ભાદરવી પૂનમના દિવસે આજે મા અંબાના ધામમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. અંબાજી ધામ આજે ભક્તોમય બન્યું છે. વહેલી સવારથી જ માના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટેલી જોવા મળે છે. જય અંબેના નાદથી રસ્તાઓ ગૂંજી ઉઠ્યા છે. વહેલી સવારના 5 વાગ્યાથી અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા. તેમજ સુરક્ષા વ્યવસ્થાને લઇને પોલીસ પણ એલર્ટ છે.
બીજી બાજુ શામળાજીમાં પણ ભાદરવી પૂનમ નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તો મંદિરે ભગવાન શામળાજીના દર્શન કરવા ઉમટી પડયા છે. મોડીરાતથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું છે. આથી, ભક્તોના પ્રવાહને જોતા મંદિર એક કલાક વહેલું જ ખોલી દેવાયું છે. જિલ્લા પોલીસ વડાએ પણ સ્ટાફ સાથે પગપાળા આવીને ભગવાન શામળાજીના દર્શન કર્યા. મહત્વનું છે કે, દર વર્ષે ભાદરવી પૂર્ણિમાએ હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શને આવતા હોય છે.
બીજી બાજુ આજે ભાદરવી પૂનમ અને શનિવાર હોવાથી બોટાદના સાળંગપુર મંદિરના કષ્ટભંજન હનુમાનજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કષ્ટભંજન હનુમાનજી (દાદા) ને રંગબેરંગી ફૂલોનો શણગાર કરીને સજાવાયા છે. આજે મોટી પૂનમ અને શનિવાર હોવાના લીધે ખૂબ મોટી સંખ્યામાં ભકતોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે.