સ્કૂલ સમયને લઈને શિક્ષણ વિભાગ અને સંચાલકો સામસામે
ગ્રાન્ટેડ સ્કૂલો સવારની પાળીમાં ન ચલાવવા આદેશ
સ્કૂલમાં સવારની પાળી બંધ કરી બપોરનો કરતા વિવાદ
શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય બદલતા વિવાદ સર્જાયો છે. શાળાઓના સમયમાં ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7620 સ્કૂલોને અસર થશે. તો બીજી તરફ આ પરિપત્રને લઇને વિદ્યાર્થી અને વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે.
મહત્વનું છે કે 27 કલાકનું શિક્ષણકાર્ય પૂર્ણ કરવા સ્કૂલનો સમય 11થી 5 કરાયો છે. જે ગ્રાન્ટેડ શાળામાં સવારની પાળી ચાલતી હોય તેનો સમય બદલીને 11થી 5 કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં નથી તે શાળાઓને સવારની પાળીમાં ચલાવી શકાશે નહીં. જે શાળાઓમાં પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવારનો અને માધ્યમિક વિભાગનો સમય બપોરનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશને પગલે શાળા સંચાલકોનું કહેવુ છે કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ કેમ સ્કુલની સમય મર્યાદા રાખવામાં આવી છે.