ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતા, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતા એ સીટનાં ઉમેદવાર ડૉ. દર્શિતા શાહ જીતી ગયાં છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને 54,000 માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે 1 લા 92 હજાર મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમમાં શરૂ થઈ ગઈ છે. જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવશે અને કાર્યકરોને સંબોધન કરવાના છે. કમલમમાં ઉજવણી દરમિયાન સી.આર. પાટીલે જણાવ્યું છે કે, 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ, ગ્રાઉન્ડ ખાતે બપોરે 2 વાગે શપથવિધિ યોજવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભાજપને મોદીએ જીત અપાવવા 21 સભા અને 3 રોડ શો કર્યા
સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભાજપે 27 બાદ પણ સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. ગૃહમંત્રી અમિત શાહે 33 સભા તેમજ રોડ શો કર્યા અને કાર્યકર્તાને માર્ગદર્શન આપી તૈયાર કર્યા.
સીઆર પાટીલે તમામ લોકોનો આભાર માન્યો તેમજ 80 લાખ પેજ કમિટી સભ્યનો આભાર હતો અને જણાવ્યું હતું કે સંકલ્પ પરિશ્રમ સંતોષજનક પરિણામ. કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને વિકાસકાર્યોને પહોંચાડ્યા. ગુજરાતમાં બીજી પાર્ટીએ વાયદા કર્યા, કારણ કે તેમને સત્તામાં આવવાનું નહોતું. બીજી પાર્ટીએ એવા વાયદા કર્યાજે ક્યારે પૂરા ના થાય. ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી શક્તિ પણ ઇલેક્શનમાં જોવા મળી. ગુજરાતે ગુજરાતવિરોધી શક્તિને નકારી ભાજપને જિતાડી. કેટલાક લોકોએ અમારી સરકાર બનશે એવું લખીને આપ્યું, ગુજરાતની જનતા સમજીને વોટ કરે છે. ભરોસાને ટકાવી રાખવો એ અમારી જવાબદારી. શપથ વિધિ 12 ડિસેમ્બરે ગાંધીનગર વિધાનસભાની પાછળ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 2 વાગે થશે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી શપથવિધિમાં હાજર રહેશે.
ભૂપેન્દ્ર પટેલ-સીઆર પાટીલ પહોંચ્યા કમલમ
8 વાગે મતગણતરી શરૂ થઈ અને 11 વાગતાં તો લગભગ પરિણામો ક્લિયર થઈ ગયાં હતાં. શરૂઆતના વલણમાં ભાજપે માધવસિંહ સોલંકીનો 149 સીટનો રેકોર્ડ પણ તોડી દીધો હતો. ભાજપને કેટલી સીટો મળે છે એ ચોક્કસ પરિણામ આવતાં તો થોડીવાર લાગશે, પરંતુ ભાજપ ગુજરાતમાં સ્પષ્ટ બહુમતીની સરકાર બનાવે છે એ નક્કી થઈ ગયું છે. ગાંધીનગર કમલમ ઓફિસમાં મતગણતરીનો એક કલાક જતાં વલણ જોઈને ઉજવણીની શરૂઆત થઈ ગઈ હતી. જ્યારે હવે બપોરે સાડા બાર વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કમલમ ઓફિસ પહોંચીને જીતની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યકરોએ કમલમ ઓફિસમાં મીઠાઈ વહેંચી છે.
સાંજે 6 વાગે વડાપ્રધાન મોદી અને અમિત શાહ ભાજપ કાર્યાલય પહોંચશે
ગુજરાતમાં ભાજપની સ્પષ્ટ બહુમતીની સરકાર બની રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના ભાજપ કાર્યાલય પહોંચવાના છે. દિલ્હી કાર્યાલય પર સાંજે 6 વાગ્યાથી ગુજરાત જીતની ઉજવણી કરવામાં આવશે. અહીં વડાપ્રધાન કાર્યકરોને સંબોધન કરશે તેવી પણ શક્યતા છે.