રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ
વાહનચાલકોને પૂરતી માહિતી ન આપતા કોર્ટે નોટીસ પાઠવી
ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને આપેલા પત્રમાં અનેક વિસંગતતા જોવા મળી
રાજકોટ CP અને ટ્રાફિક ACPને કોર્ટની નોટીસ પાઠવી છે. વાહનચાલકોને પૂરતી માહિતી ન આપતા રાજકોટ કોર્ટે નોટીસ આપી છે. કોર્ટે ઇ-મેમો અંગે વાહનચાલકોને સાચી માહિતી આપવા જણાવ્યું. કોર્ટે કહ્યું અન્યથા કોર્ટની કાર્યવાહી માટે તૈયાર રહો. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને આપેલા પત્રમાં અનેક વિસંગતતા જોવા મળી. પત્ર અંગે સ્પષ્ટતા કરવામાં ન કરવામાં આવતા વકીલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટ ટ્રાફિક ACPએ લોકોને ટ્રાફિક મેમા ભરી દેવા તાકીદ કરી હતી કે 26 જૂન સુધીમાં મેમો નહીં ભર્યો હોય તો કેસ લોક અદાલતમાં જશે. ત્યારે ACPની તાકીદ બાદ રાજકોટમાં ઈ-મેમો ભરવા લોકોની લાંબી લાઈન લાગી હતી. લોક અદાલતમાં ફરિયાદની જાહેરાત બાદ લોકો ઇ-મેમો ભરવા પહોંચ્યા હતા. ટ્રાફિક ઓફિસે મેમો ભરવા લોકોની લાઇન લાંબી લાગી હતી. મહત્વનું છે કે, ટ્રાફિક શાખા દ્વારા મોબાઈલમાં મેસેજ મોકલવાની શરૂઆત કરાઈ હતી.
જો કે, બીજી બાજુ રાજકોટમાં ઈ-મેમો સામે લડત ચલાવનાર એડવોકેટ હેમાંશુ પારેખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘છેલ્લાં 2 વર્ષથી ઇ-મેમા બાબતે અમે લોકઝુંબેશને કાનૂની લડત આપી રહ્યાં છીએ. રાજકોટ ટ્રાફિક ACPની દંડ ભરી જવાની તાકીદ અયોગ્ય છે. લોક અદાલતમાં સમાધાન થાય, પોલીસની કેસની તાકીદ અયોગ્ય છે. આ પ્રકારનું સમાધાન ફરજિયાત નથી હોતું.’
વધુમાં જણાવ્યું કે, ‘ઇ-મેમા બાબતે જે નોટિસ અને જે મેસેજ છે તે સ્પષ્ટતાવાળા કોઇ મેસેજ નથી એટલે લોકોમાં આ બાબતે ભય ફેલાયો છે.
હકીકતમાં નામદાર અદાલતના હુકમ અને કાયદાકીય જોગવાઇઓ મુજબ કોઇ પણ વ્યક્તિને ચલણ ઇશ્યુ કરવામાં આવે, તે ચલણ કે નોટિસ જે-તે વ્યક્તિ 6 માસની અંદર પોતાનો મેમો પોલીસ તંત્રમાં ના ભરે તો તેમની સામે નામદાર અદાલતમાં પોલીસ તંત્ર દ્વારા NC કેસ દાખલ કરવો પડે. બાદમાં નામદાર અદાલત તે વ્યક્તિને બોલાવે અને તે બાબતે તે પોતાનો ખુલાસો રજૂ કરી અને તે કાનૂની કાર્યવાહી આગળ વધારી શકે.’
વધુમાં એડવોકેટે જણાવ્યું કે, ‘આ બાબતે કાયદાની જોગવાઇ મુજબ નોટિસમાં અસ્પષ્ટતાવાળી જે વાત કરવામાં આવી છે, લોકો દ્વારા અમને જે માહિતી મળી છે તે મુજબ લોક અદાલતમાં કોઇ પણ પ્રકારના કેસો સ્વેચ્છાએ સમાધાન માટે મુકવામાં આવતા હોય છે. જ્યાં તેમનું કન્સિલેશન કરવામાં આવતું હોય છે, માર્ગદર્શન આપવામાં આવતુ હોય છે. જો તમે આ બાબતે કાર્યવાહી પૂરી કરવા ઇચ્છતા હોવ અને કાર્યવાહીમાં પડવા ન માંગતા હોવ તો લોક અદાલતમાં લોકો સ્વેચ્છાએ સમાધાન કરી શકે. લોક અદાલતનો હેતુ સ્વેચ્છાએપૂર્વક સમાધાન કરીને મેટર પૂરી કરવાનો હોય છે.’