- કિશોરોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ
- ગાંધીનગરના કોબાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
- અમદાવાદમાં સ્કૂલ કેમ્પસમાં અલગ અલગ રૂમ ફાળવવામાં આવ્યા
રાજ્યમાં 15થી 18 વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 15 થી 18 વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની જી.ડી.એમ.કોનાવાલા હાઇસ્કુલથી કરાવ્યો હતો. મુખ્યમંત્રી આજે સવારે આ શાળામાં પહોંચ્યા હતા અને કિશોરોના રસીકરણની કામગીરી નિહાળી હતી.તેમણે કિશોરો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો.રસી માટે વાલીઓ ઓનલાઈન www.cowin.gov.in પોર્ટલ પર પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત જે લોકોએ અર્બન હેલ્થ સેન્ટર ઉપર જઈને સીધા રસી મૂકાવી હશે તેમના માટે ઓફલાઈન વિકલ્પની પણ સુવિધા રખાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન માટે આવેલા 9 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે. તે ઉપરાંત તેમણે સિવિલના સ્પેશિયલ વોર્ડનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે વધુ વિદ્યાર્થીઓ રસી લે તેવી અપીલ પણ કરી હતી. બીજી બાજુ શહેરની વેજલપુર વિસ્તારની RR ત્રિવેદી સ્કૂલમાં રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ છે. આજે 300થી વધુ બાળકોને વેકસીન અપાશે. શહેરમાં વિદ્યાર્થીઓમાં વેક્સિનેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. RR ત્રિવેદી સ્કૂલમાં વેક્સિન લેનાર પહેલી વિદ્યાર્થિની પૂજા અદરેશિયાએ જણાવ્યું કે હસી લેતા પહેલા કન્ફ્યુઝનની સાથે એક્સાઇટમનેટ હતું, પરંતુ હવે વેક્સિન લીધા બાદ સારું લાગી રહ્યુ છે. તેણે તમામ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન મોદી દ્વારા 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશનની જાહેરાત કર્યા બાદ આજથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ આજે સવારથી બાળકોમાં વેક્સિનેશનની શુભ શરૂઆત કરી દેવામાં આવી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની માંગ ધ્યાનમાં રાખી સરકાર દ્વારા શાળા કોલેજના માધ્યમથી વેક્સિનેશન કરવા નિર્ણય કર્યા બાદ આજે રાજકોટ શહેરમાં 800 પૈકી ની 71 શાળામાં વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.