- ગાંધીનગરમાં મુખ્યમંત્રી પટેલની અધ્યક્ષતામાં આજે બેઠક
- બેઠકમાં કોરોના સંક્રમણ બાબતે ચર્ચા થશે
- પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે
રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે અને સરકાર પણ એક્શનમાં આવી છે ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક મહત્વની ગણાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણ મામલે ખાસ ચર્ચા કરવામાં આવી શકે છે. આ સાથે જ આજની બેઠકમાં પ્રભારી સચિવ જિલ્લાના કોરોના અને આરોગ્ય સુવિધા રિપોર્ટ રજૂ કરશે, તો રાજ્યમાં વકરતા કોરોનાને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા અને કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, તે અંગેની પણ ચર્ચા આજની બેઠકમાં થઈ શકે છે.
આ સાથે જ અત્યાર સુધીમાં કોવિડ રસીના કેટલા ડોઝનું વિતરણ કરવામાં આવ્યું તે અંગે પણ મંથન થઈ શકે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.