- ગુજરાતમાં કોરોના સૌથી વધુ સ્પીડમાં ફેલાઈ રહ્યો છે
- 10 દિવસમાં કુલ 1530 કેસ નોંધાયા
- છેલ્લા 5 મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવ્યા
રાજ્યમાં મંગળવારે કોરોનાના નવા 394 કેસ નોંધાયા હતા. ગત 18 ડિસેમ્બરે રાજ્યમાં 68 નવા કેસ નોંધાયા હતા જ્યારે 28 ડિસેમ્બરે 394 કેસ આવ્યા છે, સાથે જ ઓમિક્રોનના પણ નવા 5 કેસ સાથે કુલ કેસની સંખ્યા 78 થઈ છે. રાજ્યમાં 14 જૂન પછી કોરોનાના સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા છે. ગત 14 જૂને રાજ્યમાં 405 નવા કેસ નોંધાયા હતા. છેલ્લે, 15 જૂને દૈનિક કેસનો આંક 300ને પાર થયો હતો. એ દિવસે 352 કેસ નોંધાયા હતા, જ્યારે સોમવારે એનાથી વધુ એટલે કે 394 નવા કેસ થયા છે. કોરોના કેસની સામે જો રિકવરીની વાત કરવામાં આવે તો મંગળવારે 59 દર્દીને રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સત્તાવાર સંખ્યા 8,18,422 થઈ છે.
જોકે મંગળવારે એક દર્દીનું મોત થયું હતું. કોરોનાથી મૃત્યુનો સત્તાવાર આંક 10,115એ પહોચ્યો છે. જે નવા કેસો નોંધાયા છે એમાં અમદાવાદમાં સૌથી વધુ 178 કેસ છે, જ્યારે સુરતમાં 52, રાજકોટમાં 35 અને વડોદરામાં 34 નવા કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.20 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં રસીના કુલ 8.88 કરોડ ડોઝ આપી દેવામાં આવ્યા છે. કોરોના કેસોમાં ફરી ઉછાળો આવતા રાજ્ય સરકારે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અંગે મહત્ત્વની નિર્ણયો કર્યા હતા. હવે ક્વોરન્ટીનના નિયમોનો ભંગ કરનારાઓ પર પોલીસ નજર રાખશે. સાથે જ પોલીસને કન્ટેન્મેન્ટ ઝોનની મુલાકાત લેતા રહેવાની સૂચનાઓ અપાઈ છે.
આ સાથે આગામી 10 જાન્યુઆરીથી 6 લાખ જેટલા હેલ્થ અને ફ્રન્ટલાઇનવર્કર તથા 13 લાખ કોમોર્બિડ સિનિયર સિટિઝનને 10મીથી રસીનો પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરાશે. બીજા ડોઝને 39 સપ્તાહ પૂર્ણ થયા હોય એવા વૃદ્ધો ત્રીજો ડોઝ લઈ શકશે. કોરોનાએ ફરી માથું ઊંચકતાં સરકારે ધન્વંતરિ રથ અને સંજીવની રથ પણ ફરી શરૂ કરવાની સૂચના આપી છે. જ્યાં રસીકરણ ઓછું છે અથવા જે લોકોનો બીજો ડોઝ લેવાનો બાકી છે ત્યાં રસીકરણની કામગીરી ઘનિષ્ઠ બનાવવા કેમ્પ યોજાશે.