વાવ વિધાનસભા પેટાચૂંટણીને લઇને મોટા સમચાર છે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન થશે. AAP વાવ પેટાચૂંટણીમાં પોતાનો ઉમેદવાર નહીં ઉતારે. પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે. કોંગ્રેસના ઉમેદવારને AAP સમર્થન કરશે. વાવ પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાની કાલ છેલ્લી તારીખ છે. ટુંક સમયમાં જ આપ અને કોંગ્રેસ સંયુક્ત કોન્ફરન્સ કરી સત્તાવાર જાહેરાત કરશે.
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનતા વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપ્યું હતું. આ ખાલી પડેલી વાવ બેઠક પર રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 13 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો અત્યારથી જ એડીચોટીનું જોર લગાવતા નજરે પડી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસના નિરીક્ષકોએ અપેક્ષિત ઉમેદવારોને પણ સાંભળ્યા હતા. કોંગ્રેસ અપેક્ષિત ઉમેદવારોમાં કેપી ગઢવી, ઠાકરશી રબારી, થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુ જોશી અપેક્ષિત ઉમેદવારો તરીકે આવ્યા. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે મહત્વનું નિવેદન કર્યું છે કે મે દાવેદારી કરી નથી પરંતુ જે કોઈપણ ઉમેદવારને કોંગ્રેસ પક્ષ અહીં મૂકશે તેના સમર્થનમાં રહીશ.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા સોમવારે વાવ ખાતે લોકનિકેતનમાં યોજાઇ હતી, આ બેઠકમાં એઆઇસીસીના સેક્રેટરી સુભાષીની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત અગ્રણી કોંગ્રેસી આગેવાનો ભાગ લીધો હતો.