ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા આજે સાંકેતિક બંધનું એલાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે લોકોને સવારે 8 થી 12 સુધી બંધ રાખવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતભરના અલગ-અલગ જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા વેપારીઓને મળીને બંધના એલાનને સમર્થન આપવા અપીલ કરાઈ હતી. ત્યારે કોંગ્રેસના સાંકેતિક બંધને લઇને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્યમાં વધી રહેલી બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલથી આખુ કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ કોંગ્રેસના તાલુકા અને જિલ્લાના આગેવાનો વેપારીઓની સાથે સંપર્કમાં છે. એકેએક દુકાન પર જઈને વેપારીઓને બંધમાં જોડાવવા માટે વિનંતી કરી છે. બંધમાં જોડાવવા માટે વેપારીઓ પાસેથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આખુ સંગઠન, સરકાર, સોપ ઇન્સ્પેક્ટર, નગર પાલિકાઓ અને કોર્પોરેશનમાં વેપારીઓને ધાક-ધમકી આપી રહ્યા છે. વેપારી એસોસિએશનોને બોલાવીને એકપણ દુકાન બંધ રહી તો જોવા જેવી થશે આવી ધમકીઓ આપી રહ્યા છે. ગઈકાલે હું 1 વાગ્યા સુધી સંપર્કમાં રહ્યો હતો. કેટલાય કાર્યકરોને નજર કેદ કર્યા છે અને ડિટેન કર્યા છે. ધારાસભ્યોને પણ બહાર નીકળવા નથી દેતા. આવી બધી પરિસ્થિનો માહોલ હોવા છતાં ડરની રાજનિતી ભાજપ કરે છે પણ કોંગ્રેસના પહેલીવાર ઘણા સમય પછી વેપારીઓ સમર્થન આપી રહ્યા તેવું દેખાય છે.
વધુમાં જગદીશ ઠાકોરે જણાવ્યું કે, છેલ્લા 2-3 વર્ષથી વેપાર-રોજગાર ખતમ થઈ ગયા છે. કોરોના, નોટબંધી, લોકડાઉન અને સરકારની નિતીઓને કારણે આ વેપાર-રોજગાર ખતમ થઈ ગયા છે. અને અમે જ્યારે ચર્ચા કરવા બેઠા ત્યારે આખા દિવસનું બંધ આપીએ પરંતુ એવા પણ સમાચારો અને વિગતો આવી કે રોજનું લાવીને રોજનું ખાવાવાળો એક મોટો વર્ગ છે. લારી ગલ્લા, પાથરણાવાળા, ચાની લારી હોય, નાસ્તાની લારી હોય તેમને આખો દિવસ બંધ પોસાય એવું નથી. અને બંધ એ કોંગ્રેસ માટે નથી. બંધ એ રાજકારણ માટે નથી. નાના લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. એમના સમર્થનમાં બંધ કરવાની વાત કરી રહ્યા છીએ. લાગી ગલ્લા અને દુકાનદોરો હેરાન થઈ રહ્યા છે એમને સમર્થન કરવા માટે બંધ કરી રહ્યા છીએ. અને પ્રજાને એને પોતાના જે મુદ્દા એ મુદ્દાઓને લઇને બંધનું એલાન આપ્યું છે અને સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે. સ્વૈચ્છીક બંધનો કાર્યક્રમ પૂરો થશે પછી અમારા જે આગામી કાર્યક્રમો આવી રહ્યા છે અને એ કાર્યક્રમોની અંદર કોંગ્રેસે આક્રામક થઈને જે કોઈપણ કામો કરવા પડશે તે કરીશું.