સાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ શરૂ થશે
પ્રેક્ષકો માથે સાફો અને ગાલે તિરંગો દોરાવી મેચ જોવા આવ્યા છે
પહેલી બેટિંગ કરનાર ટીમનો સ્કોર હાઈ હશે.
રાજકોટના જામનગર રોડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી-20 મેચ શરૂ થશે.તેમજ પ્રેક્ષકો માથે સાફો અને ગાલે તિરંગો દોરાવી મેચ જોવા આવ્યા છે.જોકે સ્ટેડિયમમાં વરસાદ પડતા પીચને તાલપત્રીથી ઢાંકવામાં આવી હતી. હાલ વરસાદી ઝાપટું રહી જતા પીચ ખુલ્લી કરવામાં આવી છે અને મેદાન પર રોલર ફેરવવામાં આવ્યું છે.
મેચ જોવા આવેલા રાજકોટના એક નાગરીકે જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે મેચ જોવા આવ્યો છું અને સ્ટેડિયમ અમારા ઘરથી બહુ જ નજીક થાય છે. આ સ્ટેડિયમમાં જેટલા મેચ રમાયા છે તે અમે નિહાળ્યા છે. આજે પણ ભારતની ટીમને સપોર્ટ કરવા આવ્યા છીએ. 2019માં બાંગ્લાદેશ સામે ભારતની ટી-20 મેચ હતી તે જોવા આવ્યા હતા. બે દિવસથી વરસાદ વિઘ્ન બને તેવું લાગતું હતું. પરંતુ હાલ વાતાવરણ ચોખ્ખુ હોવાથી હાશકારો અનુભવીએ છીએ. પહેલી બેટિંગ કરનાર ટીમનો આજનો સ્કોર હાઈ હશે.
ઓરિસ્સાથી 5 યુવાન પણ મેચ જોવા ઉમટ્યા છે. યુવાનોના જણાવ્યા પ્રમાણે અમે અગાઉ પણ રાજકોટ 6 વખત મેચ નિહાળવા આવ્યા હતા. આજે 7મીવાર મેચ જોવા આવ્યા છીએ. સ્ટેડિયમના કુલ 4 ગેટ પર પોલીસ દ્વારા પ્રેક્ષકોનું ચેકિંગ કર્યા બાદ જ અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે.