ગીર-સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે G-20 થીમ આધારિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની (International Kite Festival) દબદબાભેર ઉજવણી થઈ હતી. જેમાં ઈન્ડોનેશિયા, લેબેનોન, લિથુઆનિયા, મોરેશિયસ, મેક્સિકો સહિતના 16 દેશો અને પુડ્ડુચેરી, તેલંગાણા, સિક્કિમ, રાજસ્થાન સહિતના 7 રાજ્યોમાંથી આવેલા 59 જેટલા કાઈટ ફ્લાયર્સે વિવિધ પતંગો ઉડાવી પોતાની પતંગકલા દર્શાવી હતી.
પતંગોત્સવમાં ‘આઈ લવ મોદી’, ‘G20 થીમ પતંગ’ ‘જેલીફિશ’, ‘બેટમેન’, ‘રિંગ કાઈટ’, ’ઓક્ટોપસ’, ‘કોબ્રા’ સહિતના પતંગો શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
આ કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ ઢોલ-શરણાઈના સૂર અને કુમકુમ તિલકથી તમામ કાઈટ ફ્લાયર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જે પછી દ્રોણેશ્વર સ્વા.ગુરૂકુળના વિદ્યાર્થીઓએ યોગવંદના દર્શાવી હતી જ્યારે સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર કરી સૂર્યદેવને અંજલિ આપી હતી. આજોઠા કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ ‘રંગભરી રાધા’ લાવણ્યનૃત્ય કર્યુ હતું. જ્યારે અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓએ ‘મારૂ મન મોર બની થનગાટ કરે’ પર નૃત્ય કર્યુ હતું.
પતંગોત્સવ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજાએ પોતાના જણાવ્યું કે, ‘દેશની સંસ્કૃતિ અનુસાર તહેવારો ઉજવાઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે દેશ-વિદેશથી પધારેલા તમામ નાગરિકોનું સ્વાગત છે. જેમ આકાશમાં હવાને ચીરી પતંગ ઉડે છે. તેમ પોતાના ધ્યેય તરફ આગળ વધી અનેક તોફાનોનો સામનો કરી પતંગની જેમ ઊંચાઈ મેળવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.