રાજકોટમાં બનશે ઇમિટેશન જ્વેલરી પાર્ક
બોલીવૂડ અને ટેલીવિઝનમાં પ્રસારિત થતી સિરીયલોમાં જાય છે રાજકોટની ઇમિટેશન જ્વેલરી
સંભવત લોધિકા GIDC પાસેના સ્થળની પાર્ક માટે પસંદગી
બોલીવૂડ અને ટેલીવિઝનમાં પ્રસારિત થતી સિરીયલોમાં70 ટકાથી વધુ ઇમિટેશનની જ્વેલરી રાજકોટથી જાય છે. દેશનો સૌથી મોટો ઇમિટેશનનો બિઝનેસ રાજકોટમાં આવેલો છે. ત્યારે શહેરમાં હવે ઇમિટેશન પાર્ક આકાર લેવા જઈ રહ્યું છે. આ અંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ મહોર મારી દીધી છે. અને હાલ સ્થળ પસંદગીની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઇમીટેશન જ્વેલરી પાર્ક બનાવવા માટે સંભવત લોધિકા GIDC પાસેના સ્થળની પસંદગી કરવામાં આવશે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.ઇમિટેશન જ્વેલરી પાર્કમાં ઉદ્યોગકારો દ્વારા અગાઉ 450 કરોડનું રોકાણ કરવા માટેની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી. વર્તમાન સમયમાં ચીન એ ઇમીટેશન જ્વેલરીનું હબ બન્યું છે અને ત્યાંથી વધુ જ્વેલરી નિકાસ થાય છે. આવી રીતે જો રાજકોટમાં પણ આ ઇમિટેશન જ્વેલરી પાર્કનું નિર્માણ થાય તો રાજકોટનાં વિકાસના દ્વાર ખુલી શકશે.
રાજકોટ માત્ર લોખંડ માટે જ નહીં પણ જ્વેલરી ઉદ્યોગ માટે પણ જગ વિખ્યાત છે. ઇમિટેશન ઉદ્યોગ માટે રાજકોટમાં અલાયદો પાર્ક સ્થાપવા માટેની ગતિવિધિઓ ઝડપી બની છે. ઇમિટેશન જ્વેલરી પાર્ક સ્થાપવા માટે અગાઉ રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રી તેમજ GIDC અને ઉદ્યોગ કમિશનરને પણ દરખાસ્તો કરવામાં આવી હતી. ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે અગાઉ બે લાખ સ્ક્વેર મીટર જગ્યા ટોકન ભાવે આપવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી હતી.
જોકે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારની લીલીઝંડી મળતાં જ ઇમિટેશન જ્વેલરી પાર્કના નિર્માણ માટે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ ઇમિટેશન જ્વેલરી પાર્ક માટે લોધિકા GIDC નજીક સ્થળ પસંદગી આગામી ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
ઇમિટેશન જ્વેલરી પાર્કની સાથે કન્ટેનર ડેપોના નિર્માણની યોજના પણ હાથ પર લેવામાં આવી છે. આ કન્ટેનર ડેપો માટે રાજકોટ, મકનસર સહિતના ત્રણ સ્થળોમાંથી એક સ્થળ પસંદ કરાશે તેવું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું. રાજકોટની ભાગોળે આ ઇમિટેશન જ્વેલરી પાર્ક અને કન્ટેનર ડેપોનું આગામી સમયમાં નિર્માણ થતાં શહેરના વિકાસમાં હરણફાળ ભરશે.