રાજકોટ હવે આઇટીનું હબ બનશે
રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં
ગુજરાત અને વિકાસ આ બંને એકબીજાના પર્યાય બની રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ બાદ હવે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટની ભેટ મળવા જઇ રહી છે.
ગુજરાત અને વિકાસ આ બંને એકબીજાના પર્યાય બની રહ્યા છે તેમ કહેવામાં કોઇ નવાઇ નહી. કારણ કે રાજ્યને એકબાદ એક વિકાસના કાર્યોની ભેટ મળી રહી છે. ત્યારે આ વખતે સરકાર રાજકોટ સૌરાષ્ટ્રને વધુ એક ભેટ આપી શકે છે. સૌરાષ્ટ્રનો પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટ રાજકોટને મળી શકે છે. આ માટે તંત્ર દ્વારા અટલ સરોવર પાસે પ્રથમ ફેઝમાં પાંચ એકર જગ્યા પણ ફાળવવામાં આવી.
તો આ તરફ રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં બનાવા જઇ રહ્યો છે. રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી 45 મીટર પહોળો અને 5 કિલોમીટર લાંબો રોડ બનશે. જે માટે 120 મિલકતો કપાતમાં જશે. અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે, જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.હાલમાં કેકેવી હોલ અને જડ્ડુસ હોટલ ચોક બ્રિજનું કામ ચાલી રહ્યું છે તે પૂર્ણ થયા પછી જ રોડની પહોળાઇ વધારવાનું કામ શરૂ કરવામાં આવશે.
રાજકોટ હવે આઇટીનું હબ બની જાય તો નવાઇ નહી કારણ કે સૌરાષ્ટ્રનો સૌ પ્રથમ આઇટી પાર્ક પ્રોજેક્ટ આકાર લેવા જઇ રહ્યો છે. જેમાં 3 લાખ સ્કવેર ફીટનું બુકિંગ પણ કરાયું છે. પ્રોજેક્ટમાં 70 કંપનીઓનું રજીસ્ટ્રેશન પણ થઇ ગયુ છે. ત્યારે આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તે માટે પ્રયાસો શરૂ થઇ ગયા છે. આજે ગાંધીનગરમાં આ મુદ્દે સરકાર સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.. આઇટી એસોસિએશન અને સરકાર વચ્ચે બેઠક બાદ જોવુ એ રહેશે કે ક્યારે આઇટી પાર્ક પ્રોજેક્ટનું કામકાજ શરૂ થશે. જો કે જલ્દીથી જ તેનું નિર્માણ થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.