કાપોદ્રા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા
વરસાદના પાણી ભરાતા 1 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો
સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભારે વરસાદથી આખું શહેર જાણે કે પાણી પાણી થઈ ગયું છે. સુરત શહેરના કાપોદ્રા ચાર રસ્તા પાસે ભારે વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાયા છે. પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને ખૂબ તકલીફ પડી રહી છે. પાણી ભરાવાના પગલે અહીં એક કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ સાથે જ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના પણ લીરેલીરા ઉડી ગયા છે.
અહીં વહેલી સવારથી જ પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા. બીજી તરફ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડ્યા છે. ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયું હતું. અનેક જગ્યાએ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સૌથી વધારે હાલાકા વાહન ચાલકોએ ભોગવી હતી. બીજી તરફ સવારથી જ વરસાદે બેટિંગ શરૂ કરતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી.
બીજી તરફ સુરત શહેરની જેમ સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગુરુવારે સવારે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પલસાણા, કડોદરા, માંગરોળ, બારડોલીમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. જેમાં બારડોલીના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાને કારણે ધરતીપુત્રો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.