જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું
ડુંગર પરથી વહેતા ઝરણાનો આહ્લાદક નજારો જોવા મળ્યો
જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં ઘોડાપૂર ઉમટ્યા હતા
રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારથી જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. જેને પગલે નદી, નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતા તો મોટા ડેમોમાં નવા નીર આવતા ડેમના જળ વૈભવમાં વધારો થયો છે. રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. ઉપરાંત પહાડી વિસ્તારમાં ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેતા થયા હતા જેને લઇને મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ભારે વરસાદથી ચોતરફ પાણી.. પાણી…ના દ્રશ્યો સર્જાયા હતા. જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. આથી વાહનચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અને જૂનાગઢ શહેરમાંથી પસાર થતા કાળવાના હોકળામાં ઘોડાપૂર આવ્યું હતું. તથા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરક થયા હતા. બજારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.
રાજ્યના અનેક શહેરોની સાથે આજે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ઉપલા દાતારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેવા લાગ્યા હતા. વહેતા ઝરણાનો ડુંગર પરથી આહ્લાદક નજારો જોવા મળ્યો હતો. વરસાદ બાદ જંગલ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. દાતારના ડુંગર પરથી વહેતા ઝરણાનો અદ્ભૂત નજારો લોકોએ નિહાળ્યો હતો.
જૂનાગઢમાં સચરાચર મેઘમહેર વચ્ચે વિસાવદરમાં પણ 4થી 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અવકાશી વીજળીના કડાકા-ભડાકા અને મેઘાડંબર વચ્ચે મેઘરાજાએ અવિરત બેટિંગ કરી હતી. આથી પ્રથમ વરસાદમાં જ વિસાવદરના આંબાજળ ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફલો થયો હતો. એટલું જ નહી મેઘરાજાની સટાસટીને લઇને અનેક ગામોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો બીજી તરફ લોકોએ રોડ પર નીકળી પડી પ્રથમ વરસાદની મોજ માણી હતી.