રાજ્યમાં ફરી એકવાર થઇ મેઘમહેર
છેલ્લા ૨૪ કલાકમાં 55 તાલુકાઓમાં પડ્યો વરસાદ
24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ચોમાાસાની શરૂઆત વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 55 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ કામરેજમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કપરાડામાં સવા 2 ઈંચ, ધરમપુરમાં 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ, ભૂજમાં 1.5 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ વરસાદ, ઉમરપાડામાં 1.5 ઈંચ, વ્યારામાં 1.5 ઈંચ વરસાદ, જસદણમાં સવા ઈંચ, ગારિયાધારમાં 1 ઈંચ વરસાદ, લાઠીમાં 1 ઈંચ અને ગીર ગઢડામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં સામાન્યથી લઇ પોણા 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જો કે, મોટા ભાગનો વિસ્તાર કોરોધાકોર રહેતા તાપમાન 1 ડિગ્રી સુધી ઉચકાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ગુરૂવારના રોજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી રહેશે.
મંગળવાર સાંજના 6થી બુધવાર સાંજના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં 9 તાલુકામાં હળવાથી લઇને પોણા 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જેમાં વિજયનગરમાં સૌથી વધુ પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો. તો મોડાસામાં પોણો ઇંચ, પોશીનામાં અડધો ઇંચ, ખેડબ્રહ્મા અને સતલાસણામાં 7-7 મીમી, ખેરાલુમાં 5 મીમી અને મહેસાણા-જોટાણામાં 4-4 મીમી વરસાદ વરસ્યો હતો. જો કે, બુધવાર સાંજે 6 વાગ્યા સુધીમાં દાંતામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે કહ્યું કે, ‘રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટોછવાયો વરસાદ વરસશે. જો કે, અમદાવાદમાં હજુ વરસાદની રાહ જોવી પડશે. 24 જૂનના રોજ થંડરસ્ટ્રોમ સાથે વરસાદ વરસે તેવી શક્યતા.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. તારીખ 24થી 26 જૂનના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, વાપી અને દાદરા-નગર-હવેલીમાં ભારે વરસાદ વરસશે.’ બીજી બાજુ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સામાન્ય વરસાદ વરસશે તેમ જણાવ્યું.