શિયાળાની ગુલાબી ઠંડીમાં અને પ્રકૃતિના સાંનિધ્યનો અનુભવ કરતાં અનેરા જોમ જુસ્સા સાથે “તૃતીય ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નો ધોરાજી તાલુકાના નાયબ કલેકટર જયેશ લીખિયા દ્વારા ઓસમ તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 10.08 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 9.34 મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે 10.49 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.51 મિનિટ સાથે કાલરીયા ક્રિશ તેમજ બહેનોમાં 14.04 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 13.35 મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે 13.41 મિનિટ સાથે બાવળીયા ત્રિશા અને તૃતીય ક્રમાંકે 13.45 મિનિટ સાથે પામકા કૃપા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા છે.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ – ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે “તૃતીય ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધા”નું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના 8 જિલ્લાના જુનિયર ભાઈઓ અને બહેનોએ મોટી ઇંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ‘‘રાષ્ટ્રીય યુવા દિવસ’’ નિમિત્તે સ્વામી વિવેકાનંદને યાદ કરતા ધોરાજી તાલુકાના નાયબ કલેકટર જયેશ લીખિયાએ જણાવ્યું હતું કે, સ્પર્ધામાં ખેલદિલી સાથે ભાગ લેવો એજ મહત્વની બાબત છે.
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બને તે માટે રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન સ્પર્ધકોને પ્રોત્સાહન પૂરું પાડીને આગળ વધવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ સ્પર્ધમાં ઉત્તમ પ્રયાસો કરનાર દરેક ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, ગીર-સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14 થી 18 વર્ષના 252 ભાઈઓ તથા 162 બહેનો સહિત 414 ખેલાડીઓ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રીમાતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.
સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી ચીપ સીસ્ટમ સાથે પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો ઉપયોગ હાલ પોલીસ ભરતી માટે થઈ રહ્યો છે. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે આશરે 53 શિક્ષકો તથા 30 સ્વયંસેવકો જોડાયા હતા.
આ તકે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. 25 હજાર દ્વિતિય નંબરને રૂ. 20 હજાર તૃતિય નંબરને રૂ. 15 હજાર એમ કુલ મળી 1 થી 10 નંબર સુધી વિજેતા થયેલા ખેલાડીઓને કુલ રૂ. 2.34 લાખના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલા સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ 2019થી ઓસમ આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં જુનાગઢ, ચોટીલા, પાવાગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિરલભાઈ પનારા, પાટણવાવ સરપંચ પ્રવીણભાઈ પેથાણી, પ્રવાસન સમિતિના અલ્પેશભાઈ પેથાણી, મનુભાઈ પેથાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.પી.દિહોરા, જિલ્લા રમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજી મામલતદાર એમ.જી.જાડેજા, ઉપલેટા મામલતદાર એમ. ટી. ધનવાણી, ધોરાજી તાલુકા વિકાસ અધિકારી પી.ડી.ડઢાણીયા, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.