ગીર રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે ખેડૂતો અને આ સૂચિત સમાવિષ્ટ વિસ્તારના રહીશો સુધી યોગ્ય સુચના પહોંચે તેવા હેતુથી ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક અને ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે પત્રકારો સાથે વાતચીત કરી હતી. ગીર પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને માહિતી આપતા કહ્યુ હતુ, કે સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ 196 ગામોનો સમાવેશ થશે જ્યારે હાલના નિયમો મુજબ 389 ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વધારો થતો નથી. નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન મુજબ ઇકોલોજિકલ કોરીડોર જે રક્ષિત વિસ્તારોને જોડે છે. જૈવ વિવિધતા વિભાજનને રોકવા માટે તેને સુરક્ષિત કરવું ખૂબ જરૂરી છે.
નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન NWAP રક્ષિત વિસ્તારો તેમજ કોરીડોરના આસપાસના તમામ વિસ્તારોને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986 હેઠળ સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરી છે. ગીર, પાણિયા અને મિતિયાળા રક્ષિત વિસ્તાર ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા હાઇકોર્ટે રાજ્ય સરકારને ફ્રેશ પ્રપોઝલ રજૂ કરવા ઓરલ ઓર્ડર આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટના નિર્દેશો મુજબ ગીર રક્ષિત વિસ્તારની આસપાસ ઇકો-સેનસેટીવ ઝોન માટે જરૂરી સુધારા કરી રિવાઇઝ્ડ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દરખાસ્તનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંતુલનનું રક્ષણ કરવાનો અને ગીર રક્ષિત વિસ્તારની વૈવિધ્યસભર વન્યજીવોની પ્રજાતિઓ અને તેમના રહેઠાણોના લાંબા ગાળા માટે ટકાવી રાખવાનો છે. આ ઇકો-સેન્સેટીવ ઝોનની લઘુત્તમ હદ ૦૦.૦૦ કિ.મી. અને મહત્તમ હદ 9.50 કિ.મી. સુધીની છે.
ઇકો-સેન્સેટીવ ઝોનનો કુલ વિસ્તાર 2127.11 ચો. કિ.મી. છે. ઇકો-સેન્સેટીવ ઝોનમાં 3 જિલ્લાના 11 તાલુકાના કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થાય છે. આ સાથે ત 18-09-2024ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 11 દિવસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વાંધા અને સૂચનો સ્વીકારવામાં આવે છે. જેના અંતે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરાશે.
અમરેલી જિલ્લાના આંશિક વિસ્તારવાળા ધારી તાલુકાના 02 ગામ અને સંપૂર્ણ વિસ્તાર વાળા 27 ગામ, ખાંભા તાલુકાના 36 અને સાવરકુંડલા તાલુકાના 07 ગામનો સમાવેશ થાય છે. આ સાથે ગામતળમાં કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનને લગત કોઇપણ પરવાનગી લેવાની રહેશે નહીં જેમાં દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, નંદ ઘર, ગામના રસ્તાઓ વગેરે તમામ ગામના વિકાસની પ્રવૃત્તિઓમાં, પોતાના રહેણાંક, પાણીના કનેક્શન, વીજ જોડાણ, કૂવા બાંધકામ વગેરે માટે વન વિભાગની પરવાનગીની આવશ્યકતા નથી.