પીએમ નરેન્દ્ર મોદી હમણાં છેલ્લે જ્યારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે એરપોર્ટ પર અંદાજે બે કલાક વિવિધ અધિકારીઓ સાથે મુલાકાત કરીને વિવિધ પ્રોજેક્ટ્સના અપડેટ્સ લીધા હતા. આ દરમિયાન તેમણે સૌથી વધુ ભાર ટુરિઝમ પર મૂક્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ નવી ટૂરિઝમ પટ્ટી ડેવલપ કરવાથી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મ્યુઝિયમ બનાવાને લઇને સૂચનો આપ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતને ટૂરિઝમ હબ બનાવાની દિશામા પ્રયત્નશીલ છે, જેને લઇને રાજ્ય સરકાર આવતીકાલે ટૂરિઝમ માટે એક પ્રોત્સાહન પોલિસી જાહેર કરશે.
આવતીકાલે શનિવારે અમદાવાદમાં ગુજરાત સિને ટૂરિઝમ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવશે. આ પોલિસી અંતર્ગત આવનારા દિવસોમાં ગુજરાતમાં ફિલ્મ સીટી ફિલ્મ પ્રોડક્શન, ટીવી પ્રોડક્શન સ્ટૂડિયોના નિર્માણ માટે અને ફિલમ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ માટે 30 એકર જમીન અને સો કરોડના રોકાણ સાથેની શરત મૂકવામાં આવી છે. આવા પ્રકારના પ્રોજેક્ટ માટે રૂપિયા 25 કરોડનું પ્રોત્સાહન રાજ્ય સરકાર તરફથી આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
ટૂરિઝમ ક્ષેત્રે ખુશ્બુ ગુજરાતની કેમ્પેઇનની સફળતા બાદ પ્રવાસનને વેગ મળ્યો હતો. ગુજરાત સરકાર કેરળ, તામિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યોની માફક ફિલ્મ અને ટેલિવિઝનની ધારાવાહિક, નવા ઓટીટી પ્લેટફોર્મ પર ટૂંકી ફિલ્મો, સીરિયલ વગેરેને પ્લેટફોર્મ આપવા માટે ખાસ સિનેમેટિક ટૂરિઝમ પોલિસી શનિવારે લોન્ચ કરવા જઈ રહી છે. આ માટે ફિલ્મ કલાકાર અજય દેવગણને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં ફિલ્મની પ્રવૃત્તિને વેગ મળે તે માટે રાજ્ય સરકારે પ્રોડક્શન હાઉસનો 25% ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી છે. આ ખાસ પોલિસી લાવવા પાછળનું મુખ્ય કારણ સિનેમેટિક ટૂરિઝમને ગુજરાતમાં આકર્ષિત કરવાનો છે. અન્ય રાજ્યમાંથી ફિલ્મ શૂટિંગ માટે આવતી પ્રોડક્શન કંપનીઓને પ્રવાસન સ્થળની આસપાસ ફિલ્માંકન સમયે કેટલીક સવલતો આપવામાં આવશે તેમજ ચૂકવવા પાત્ર થતી ફીમાં રાહત આપવામાં આવશે.
રાજ્ય સરકાર આવતા દિવસોમાં 18 જેટલા સ્થળોને ફિલ્મ શૂટિંગ માટે અલગ તારવી રાખ્યા છે. જે સ્થળો પર ફિલ્મ પ્રોડક્શન હાઉસ ફિલ્માંકન કરે તો તેમને યોગ્ય પ્રોત્સાહન આપવામાં આવશે. આ 18 સ્થળોમાં દ્વારકા, માધવપુર બીચ, ધોરડો, સાસણગીર, સોમનાથ, પોલો ફોરેસ્ટ, સાપુતારા અને ડાંગનો સમાવેશ થાય છે.