- ભાવનગરમાં બાળકો સાથે હિંચકે હિંચક્યાં
- બાળકોને વિવિધ રમતો રમાડી
- બાળ સહજ ભાવે હળીમળી ગયેલા મંત્રી વાઘાણીથી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા
ભાવનગર વિધાનસભામાં સમાવિષ્ટ ચિત્રા-ફુલસર-નારી વોર્ડના નારી ગામમાં આવેલી જગદીશશ્વરાનંદ સરકારી પ્રાથમિક શાળાના બાળકો કલામહાકુંભ સ્પર્ધામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. જેના ભાગરૂપે આ બાળકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા અને બાળકો સાથે હિંચકા ખાતા જોવા મળ્યાં હતા. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બાળકો સાથે બાળ સહજ ભાવે હળીમળી ગયા હતા.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ખાસ્સો સમય પસાર કર્યો હતો. તેમજ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને સન્માનિત કર્યાં હતાં. વિદ્યાર્થીઓમાં બાળ સહજ ભાવે હળીમળી ગયેલા મંત્રી વાઘણીથી વિદ્યાર્થીઓ પણ પ્રભાવિત થયા હતા. બાળકો સાથે હિંચકા ખાઈ, લસરપટ્ટી સહિતની વિવિધ રમતો બાળકોને રમાડી શિક્ષણ મંત્રીએ બાળપણને યાદ કર્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ભાવનગર શહેર-જિલ્લામાં આવેલી શાળાઓમાં સરકારી અધિકારીઓ દ્વારા શાળાઓમાં પહોંચી શાળા પ્રવેશોત્સવમાં જોડાઈ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. આ દરમિયાન ગત રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ચિત્રા-ફૂલસર વોર્ડમાં આવેલી જગદીશશ્વરાનંદ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતાં. ત્યારે ખેલ મહાકુંભમાં આ શાળા સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે આવી હોય આથી વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે મંત્રી વાઘાણી શાળાના મહેમાન બન્યાં હતાં.
આ તકે મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અનેક નવી પહેલ કરી છે અને આ પહેલ અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં જયારે મારા ભાવેણાંના અને ખાસ કરીને મારી વિધાનસભા ક્ષેત્રના બાળકો અવ્વ્લ આવે તો સ્વાભાવિક રીતે તેની ખુશી અપાર હોય છે.