રાજ્યમાં નાગરિક સુખાકારીના કામોને વેગ આપી ઇઝ ઓફ લિવિંગ વધારતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની નગરપાલિકાઓના વિસ્તારના નાગરિકોની સુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં રાજ્યની 8 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી ભાગીદારી યોજના હેઠળ રૂ. 3.52 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદ્અનુસાર, ખાનગી ભાગીદારી યોજના અંતર્ગત આ 8 નગરોના કુલ 5074 ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની કામગીરી હાથ ધરાશે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ GMFB એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ હેતુસર જે દરખાસ્તો રજૂ કરી હતી. તેમાં સાબરકાંઠા જિલ્લાની ઇડર, પ્રાંતિજ અને હિંમતનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા અને ખંભાળિયા, પોરબંદરની છાયા, જામનગરની સિક્કા તેમજ કચ્છની માંડવી નગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની જોગવાઇઓ મુજબ જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઇન સાથે જોડાયેલ ન હોય તેવી સોસાયટીઓના ઘરોને પરિવાર દીઠ રૂા. 7 હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે GMFB ની જે દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. તેને અનુમોદન આપતાં હવે, ઇડર નગરપાલિકાના 707 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા માટે રૂા. 49.49 લાખ, પ્રાંતિજના 300 ઘરો માટે રૂા. 20.92 લાખ, હિંમતનગરમાં 783 ઘરોની ગટર લાઇન માટે રૂા. 54.81 લાખ મંજુર થયા છે.
આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા નગરપાલિકાના 177 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂા. 12.26 લાખ, ખંભાળિયાના 1839 ઘરો માટે રૂા. 1 કરોડ 26 લાખ, જામનગરની સિક્કા નગરપાલિકાના 659 ઘરો માટે રૂા. 46.13 લાખ તેમજ પોરબંદરની છાયા નગરપાલિકાના 159 ઘરોની ગટર લાઇન માટે રૂા. 11.13 લાખ અને કચ્છ જિલ્લાની માંડવી નગરપાલિકાના 450 ઘરોની ગટર લાઇન માટે રૂા. 31.50 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.