- કેસર કેરીની સિઝન પૂર્ણતાને આરે, બોક્સે 350 સુધી ઘટ્યા;
- વિવિધ જાતની કેરીના છૂટક ભાવમાં ઘટાડો
- આ વર્ષે કેરીના રસિકોને જોઈએ તેવો સ્વાદ મળ્યો નહિ
કેરીના રસિકોને આ વર્ષે જોઈએ તેવો કેરીનો સ્વાદ મળ્યો નથી. વાતાવરણમાં પલટો, વાવાઝોડાને કારણે આ વર્ષે કેરીનો જોઈએ તેવો પાક ન મળતા ઉત્પાદન પણ ઓછુ થયું હતું. જેને કારણે કેસર કેરીનો ભાવ આસમાને પહોચી ગયો હતો. કેરીની સિઝન આ વર્ષે વ્યવસ્થિત શરૂ થાય ત્યાં તો પૂરી થવાનો સમય નજીક આવી ગયો છે. હવે વરસાદનું આગમન નજીક છે ત્યારે આશરે પંદરેક દિવસમાં કેરી બજારમાંથી વિદાય લેવાનું શરૂ કરશે. જેને કારણે હવે કેરીના બોક્સ દીઠ રૂ. 250થી 350નો ઘટાડો થયો છે. જેથી છૂટક બજારમાં 10 કિલો કેરીના બોક્સનો ભાવ રૂ.450થી 1200 સુધી થઈ ગયો છે અને ભાવ હજુ ઘટી રહ્યા છે.
કેસર કેરીનું ઘર એવા તાલાલા તરફની સિઝન હવે પૂરી થવાના તબક્કે છે ત્યારે કચ્છની સિઝન જામશે. જોકે જૂનના અંતમાં કેરી નહિવત મળતી હશે. કેસર કેરી માટે તલાલા સૌથી પ્રસિધ્ધ અને જૂનું યાર્ડ છે. જોકે હવે ત્યાં આવક ઘટી ગઇ છે. એના કરતા વધારે આવક ગોંડલ યાર્ડમાં થવા લાગી છે.
નરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખએ આ બાબતે જણાવ્યું હતું કે, કેસર કેરીની સિઝન પૂરી થવા આવી હોવાથી હોલસેલ ભાવમાં રૂ.300 જેટલો ઘટાડો થયો છે. જેની અસર છૂટક બજારમાં બોકસ દીઠ રૂ.250થી 350 સુધી જોવા મળી છે. કેરીના ભાવ ઊંચા છે છતાં અગાઉના વર્ષો જેવા સ્વાદ ન મળતા આ વર્ષે કેરીની માગ પણ ઓછી રહી છે.