કેન્દ્રીય ઇલેક્શન કમિશને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લાની વાવ બેઠક પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી છે. 13મી નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાવા જઇ રહ્યુ છે. તો 23મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. વાવ બેઠકની પેટાચૂંટણી જાહેર થતાં જ ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
વાવ વિધાનસભા બેઠક પર ગેનીબેન ઠાકોર ગત વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયા હતા. જો કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ઉમેદવારી નોધાવતા વિજય થતા આ બેઠક ખાલી પડી હતી. જેના કારણે વાવ વિધાનસભા બેઠક પર ફરી ચૂંટણી યોજાવા જઇ રહી છે.
ગઇ કાલે કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી જાહેર કરવાની સાથે ગુજરાતની પેટાચૂંટણીની પણ જાહેરાત કરી હતી. બનાસકાંઠાની બેઠક પર ગેનીબેન ઠાકોર જીત્યા બાદ કોંગ્રેસ ફુલફોર્મ છે પણ હવે આ પેટાચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો સવાલ છે. આ પેટાચૂંટણીમાં 3.10 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે રસાકસી જામે તેવી શક્યતા છે. કારણકે આ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પહેલા વિજય થયા હતા. હવે કોંગ્રેસ આ બેઠક ગુમાવી ન દે તે માટે તમામ પ્રકાર પડકારો ઝીલવા તૈયાર રહેશે. તો ભાજપ આ બેઠક કોંગ્રેસ પાસેથી આચકી લેવા કમર કરશે. કોંગ્રેસે તો આ બેઠક જાળવી રાખવા એક મહિનાથી આ વિસ્તારમાં સંમેલનો- બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ બેઠક પર કોનો વિજય થાય છે, તે 23 નવેમ્બરે પરિણામ જાહેર થાય, ત્યારે જ ખબર પડશે.