દરિયાના ખારા પાણીના શુદ્ધિકરણ માટે રૂા.૮૮૧ કરોડના ખર્ચે નિર્માણ થયો છે પ્લાન્ટ
દેશના સૌપ્રથમ ૧૦૦ MLD ડિસેલિનેશન પ્લાન્ટ દહેજમાં કાર્યરત થયો
લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાં રૂ.૨૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.૮૮૧ કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંકલેશ્વર વસાહત ખાતે રૂ.૫.૪૪ કરોડના ખર્ચે નવનિર્મિત GIDCના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ તેમજ નવી ઔદ્યોગિક નીતિ હેઠળ ૯૩ MSME એકમોને રૂ.૧૧ કરોડની સહાયના ચેકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરશ્રી તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકહિત માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે, છેલ્લા બે દશકામાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, જેના પાયામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની હકારાત્મક ઔદ્યોગિક નીતિઓ છે, રાજ્ય સરકાર વિવિધ સ્ટાર્ટ અપ પોલિસી, ઇન્ડસ્ટ્રીઅલ પોલિસી, ઇલેક્ટ્રોનિક અને એરોસ્પેસ પોલિસી, સોલાર પોલિસી, ગારમેન્ટ-એપેરલ, ડિફેન્સ અને આઈ.ટી. પોલિસી ઘડીને તેના અસરકારક અમલીકરણ થકી વિકાસની યાત્રાને વધુ વેગવાન બનાવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનશ્રી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગના પ્રખર હિમાયતી છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ મહામૂલા પાણીના યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે જે રીતે કોરોનામાં માનવીને ઓક્સિજનની જરૂરિયાત સમજાઈ હતી, એ જ રીતે વર્તમાન સમયમાં પાણીના મહત્વ અને પાણીની કમીથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિને નજર સમક્ષ રાખી પાણીને પારસમણિ સમાન ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. ઔદ્યોગિક જરૂરિયાતને પહોંચી વળવા માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સમુદ્રના ખારા પાણીનું શુદ્ધિકરણ કરી તેને ઉપયોગયુકત બનાવવા દહેજમાં ૧૦૦ MLD ક્ષમતાનો ડિસેલીનેશન પ્લાન્ટ નિર્માણ એ રાજ્ય સરકારની આગવી સિદ્ધિ છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનો છેવાડાનો માનવી કે રાજ્યના વિકાસમાં ભાગીદાર નાના મોટા ઉદ્યોગકારો હોય, સૌને સ્વ્ચ્છડ, શુદ્ધ પાણી મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નાશીલ છે એમ ઉમેર્યું હતું.