- નવા બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૫૩૩૯ કરોડની જોગવાઇ
- ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ
- ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ
રાજ્યની જીવાદોરી સમી સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા ૬૯ લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇ સમગ્ર રાજ્યને જળ સુરક્ષાનું કવચ મળેલ છે. પર ડ્રોપ મોર ક્રોપના સિદ્ધાંતને ધ્યાને લઇ જળ સંસાધનોના અસરકારક વપરાશ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના ૧૩૭૧ કિલોમીટર લંબાઈના ૨૪ પેકેજની કામગીરી પૂર્ણ થયેલ છે. જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના ૭ પેકેજોના કામો પ્રગતિ હેઠળ છે. આ કામગીરીથી પ૩ જળાશયો, ૧૩૦ જેટલા તળાવો અને ૮૦૦ કરતાં વધુ ચેકડેમોમાં મા નર્મદાના પાવન નીર વહેવડાવવામાં આવેલ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવેલ છે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૭૧૦ કરોડ.
- કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના ૧ મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. ૪૩૬૯ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવેલ છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ જિલ્લાના ૬ તાલુકાના અંદાજે ૧ લાખ ૧૪ હજાર હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ યોજના માટે જોગવાઈ રૂ. ૨૭૨ કરોડ. કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન છે. આ કામગીરી માટે જોગવાઈ રૂ. ૬૫ કરોડ, સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. ૧૬૦૦ કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.૯૩ કરોડ.
- બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. ૭૦ કરોડ. વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના ૭૨ તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૧૮૬ કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના ૩૦ તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. ૭૫ કરોડની યોજના. બંને યોજના માટે કુલ જોગવાઇ રૂ. ૪૫ કરોડ.
- ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. ૨૦૦ કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે જોગવાઇ રૂ. ૩૦ કરોડ. કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. ૨૦૦ કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે. આ માટે જોગવાઈ રૂ. ૧૪ કરોડ.
- પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. ૧૩૩ કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત ૨૩ ગામોને લાભ આપવા માટે જોગવાઇ રૂ. ૩૫ કરોડ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના જુદા જુદા ૧૧ ગામોના આશરે ૧૬૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઇ સુવિધા આપવા માટે રૂ. ૮૪ કરોડની યોજના માટે જોગવાઇ રૂ. ૨૫ કરોડ. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રીચાર્જ કરવા રૂ. ૨૫૦ કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન. પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ.૨૫૦ કરોડની યોજનાનું આયોજન. કર્લી રિચાર્જ જળાશય વિસ્તારને પર્યાવરણીય સ્થળ તરીકે વિકાસ કરવા તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણની કામગીરીને સુદૃઢ કરવા જોગવાઇ રૂ. ૨૦ કરોડ.
- ગુજરાતે સૂક્ષ્મ સિંચાઇના ક્ષેત્રે પહેલ કરી નોંધપાત્ર પ્રગતિ કરેલ છે. આ પદ્ધતિથી પાણીના કરકસરભર્યા વપરાશ સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. છેલ્લાં બે દશકમાં અંદાજે ૨૧ લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ પ્રસ્થાપિત કરી ૧૩ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવેલ છે. આગામી વર્ષમાં વધુ ૧ લાખ હેકટરમાં આ યોજનાનો વ્યાપ વધારવા માટે જોગવાઇ રૂ. ૫૦૦ કરોડ.