રાજ્યમાં કડકડતી ઠંડી રહી છે. સતત ચોથા દિવસે પારો ગગડ્યો છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 13 ડિગ્રીની નીચે નોંધાયું છે. જ્યારે ગત રાત્રે નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ગગડતાં કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. બીજી બાજુ, કચ્છમાં આગામી બે દિવસ દરમિયાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં 12.6 ડિગ્રી સરેરાશ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4, સુરત 13.6, રાજકોટ 10.7, ડીસા 12.2, વલસાડ 16.5, ભાવનગર 14, દ્વારકા 15.2, સુરેન્દ્રનગર 12.5, મહુવા 11.7, પોરબંદર 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સાથે જ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહીં પારો 7 ડિગ્રીથી ઘટીને 4 ડિગ્રી થઇ જતાં હાડ થિજવતી ઠંડીનો અહેસાસ થયો હતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 4થી 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ બદલાવ જોવા મળશે નહીં. આમ ઠંડી યથાવત રહેશે. રાજ્યમાં ઠંડીને લીધે લોકો તાપણા કરતાં પણ જોવા મળી રહ્યા છે, જ્યારે દિવસ દરમિયાન પણ ગરમ કપડાં પહેરતા જોવા મળી રહ્યા છે.
રાજ્યમાં લોકો ઠંડીનો રાહ જોઇ રહ્યા હતા, ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં પારો ગગડશે. લોકો ઠંડીથી બચવા તાપણા કરતા નજરે પડ્યા હતા. સાથે જ હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી પણ સામે આવી છે. ઉત્તર તરફથી પવન ફુંકાતા ઠંડી વધવાની શક્યતા છે.
દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ શરુ થઈ ગયો છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ન્યૂનત્તમ તાપમાન 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઘટના તાપમાન સાથે જ ઉત્તર ભારતમાં ઠંડી ઝડપથી વધતી જાય છે. તો વળી ભેજ અને ધુમ્મસ પણ વધતો જાય છે. પહાડી વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 4.9 ડિગ્રી સેલ્સિયસ નીચે 3 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું છે, જેની અસર દિલ્હીમાં પણ જોવા મળી રહી છે.