Gujarat News: રાજ્યમાં ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. બોર્ડ સેન્ટર સુધી પહોચવા માટે પરિક્ષાર્થીઓ ટ્રાફિકમાં અટવાતા હોય છે અથવા અન્ય કારણોસર સમયસર કેન્દ્ર સુધી પહોચી શકતા નથી. આવા વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ વહારે આવશે. અટવાયેલા પરિક્ષાર્થીઓને પોલીસ સમયસર કેન્દ્ર પર પહોચાડશે.
બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે. ઘરેથી પરિક્ષા કેન્દ્ર પહોચવા નીકળેલા વિદ્યાર્થીઓ ઘણી વાર અટવાય કે અકસ્માતનો ભોગ બનતા હોય છે. ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખવાય ત્યારે પરિક્ષાર્થીઓએ ગભરાવવું નહી, પોલીસની મદદ માંગો એટલે પોલીસ તમને પરીક્ષા કેન્દ્ર સુધી પહોચવામાં મદદરૂપ બનશે. આ માટે ખાસ હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. પરિક્ષાર્થી મદદ માટે 100 નંબર પર ફોન કરી શકે છે. ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓ માટે જાહેર કરેલા હેલ્પલાઈન નંબર
- બોર્ડ હેલ્પલાઈન – 1800-233-5500
- જીવન આસ્થા હેલ્પલાઈન – 1800-233-3330
- સ્ટેટ કંટ્રોલ નંબર – 9909036768
- DEO અમદાવાદ – 9909922648
- DEO અમદાવાદ ગ્રામ્ય – 9909970202
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પરિક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સારુ પર્ફોર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિદ્યાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી છે.
15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 1.65 લાખ વિદ્યાર્થીઓ રીપીટર તરીકે પરીક્ષા આપશે. સ્ટ્રોંગ રૂમથી બે સરકારી કર્મચારી અને બે ગાર્ડ સાથે પેપર સીલ બંધ પેકમાં સેન્ટર સુધી પહોંચશે. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરાયા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,32,073 વિદ્યાર્થી પરીક્ષા આપશે. 56 ઝોનમાં 663 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાથી નજર રાખવા સૂચના છે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.