ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.
ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, આ વખતે ભાજપે વિરમગામ બેઠક પર ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ’ હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી.