ચીનમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ઓમિક્રોનનો સબ વેરિએન્ટ BF-7ના કેસ ગુજરાતમાં નોંધાયા હતા, જોકે હાલ આ વેરિઅન્ટનો ગુજરાતમાં કોઇ કેસ એક્ટિવ ન હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું છે. તેની વચ્ચે ભાવનગરના વેપારીએ ચીનથી પરત ફર્યા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. વેપારીના સેમ્પલ જીનોમ સિક્વિન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે તેમને જે લક્ષણો છે કે BF-7 વેરિયન્ટના છે કે નહીં.
ચીનથી પરત ફરેલા ભાવનગરના વેપારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમનો પણ કોરોના ટેસ્ટ કરવાની તજવીજ હાથ ધરાઈ શકે છે. ભાવનગરના મ્યુનિસિપલ કમિશનરે વર્તમાન સ્થિતિને જોઇને શહેરમાં કોરોનાના ટેસ્ટ વધારવા સૂચના આપવામાં આવી છે.હાલ દરરોજ 100 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે આંકડો વધારવા જણાવી દેવામાં આવ્યું છે.
કોરોના ટેસ્ટ માટે પીએચસી સેન્ટર અને સરટી હોસ્પિટલ ખાતે ફ્રી ટેસ્ટ સુવિધા ઉભી કરવામાં આવી છે. ભાવનગરમાં રેપિડ ટેસ્ટ માટે અને RTPCR માટે પૂરતી કીટ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. ભાવનગર મનપા કમિશનર ઉપાધ્યાયે જણાવ્યું છેકે, કોવિડનું સંક્રમણ ન ફેલાય એ માટે જરૂરી વપગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છેકે, ભાવનગરમાં ગત 21 દિવસથી કોવિડનો એકપણ પોઝિટિવ કેસ ન હતો પરંતુ ચીનથી પરત ફરેલા વેપારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ ભાવનગરનું આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે અને શહેર તથા જિલ્લામાં પુનઃ કોરોનાનું સંક્રમણ વધે નહીં અને કોરોના સામે લડવા માટે પૂરતી વ્યવસ્થા કરવાની તૈયારીમાં લાગી ગયું છે.