ભારત – દ. ફરીકા વચ્ચે આવતી કાલે યોજશે મેચ
અસહ્ય બફારા વચ્ચે ખેલાડીઓએ કરી નેટ પ્રેક્ટિસ
વરસાદનું વિઘ્ન નહિ આવે તો દર્શકોને જોવા મળશે ચોક્કા-છક્કા
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T-20 સિરીઝની ચોથી મેચ આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેને લઇ બન્ને ટીમનું ગઈકાલે સાંજે રાજકોટમાં આગમન થયું હતું. આવતીકાલની મેચ ટર્નિંગ ગેમ હોવાના કારણે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આજે શહેરમાં અસહ્ય બફારા વચ્ચે મેચ પહેલાં બન્ને ટીમો નેટ પ્રેક્ટિસ પણ કરવાની હતી. બપોરે 1 વાગ્યે આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે સાંજે 4 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવા પહોંચી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા ટીમ વચ્ચે યોજાનારી ચોથી T-20 મેચને લઇ ગઇકાલે બન્ને ટીમનું રાજકોટમાં આગમન થતાં રાજકોટ ક્રિકેટ મય બની ગયું છે. આજે દક્ષિણ આફ્રિકાની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી બપોરના 1 વાગ્યે જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે પહોંચી હતી અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરી હતી. આ નેટ પ્રેક્ટિસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાઉમા, વિકેટકીપર ડિકોક, હેન્રિચ ક્લાસન સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જોકે આજે રબાડા અને મિલર પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ સતત વરસાદ પડી રહ્યો હોવાથી ક્રિકેટરોની નેટ પ્રેક્ટિસ ઉપરાંત T-20 મેચ પર પણ વરસાદનું જોખમ ઝળૂંબી રહ્યું છે. હવામાન ખાતાએ પણ આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે, તેથી હવે જો વરસાદનું વિઘ્ન નડે નહીં તો દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે.