વિભૂતિ પ્રજાપતિ 30 નૃત્યાંગનાઓ સાથે ભરતનાટ્યમ રજૂ કરશે
ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.
ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યુનેસ્કોના નિરીક્ષણ હેઠળ 3 જૂને યોજાશે.
યુરોપના હંગરી દેશમાં છેલ્લા 27 વર્ષથી બુડાપેસ્ટ ડેનયુબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યોજાય છે. જેમાં ભારતને 27 વર્ષ પછી પ્રથમ વખત સ્થાન મળ્યું છે. સમગ્ર દેશમાંથી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડમી આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિલેક્ટ થઇ છે. જેમાં 30 નર્તકીઓમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામની દીકરી વિભૂતિ પ્રજાપતિ પણ છે. જે ટીમ સાથે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે અને ભરતનાટ્યમ રજૂ કરી ફેસ્ટિવલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરશે.
વિભૂતિના પિતા મનોજભાઈ લવજીભાઈ પ્રજાપતિ સુરતમાં બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેણી પહેલા ધોરણથી જ ભરતનાટ્યમ શીખતી હતી. અને 2021માં જુલાઈ માસમાં ભરતનાટ્યમની આરંગનેત્રમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.બુડાપેસ્ટ ડેનયુબ ઇન્ટરનેશનલ ફોકલેર ફેસ્ટિવલ યુનેસ્કોના નિરીક્ષણ હેઠળ 3 જૂને યોજાશે. જેમાં બલ્ગેરિયા, ઈટલી, ગ્રીસ, મેકેડોનીયા સહિત યુરોપના દેશો ભાગ લેશે. ભારતનું ભરતનાટ્યમ સહિત અન્ય દેશના કલપેલીયા, ડાંગી, લેઝીમ, તેરાતાલી સહિતના નૃત્યો લાઈવ મ્યુઝિક પર પ્રસ્તુત કરાશે.