- રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે માવઠાનું અનુમાન
- 23 ડિસેમ્બરથી માવઠું થવાનું અનુમાન
- હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું
હાલ ગુજરાતમાં ઠંડીએ જોર પકડ્યું છે. રોજે ઠંડીનો પારો નિચે જઇ રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં હાલ કોલ્ડવેવ જોવા મળી રહી છે. ત્યારે ઠંડી વચ્ચે ખેડૂતો માટે એક માઠા સમાચાર આવ્યા છે. હવામાન મોસમના તજજ્ઞ દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના અંતમાં વધુ ઠંડી અનુભવાય છે. ગુજરાતમાં ઉત્તર-પૂર્વ – પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ ખેડૂતોને ચિંતામાં મુકતું અનુમાન વ્યક્ત કર્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થવાની સંભાવન છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા આપ સમાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થશે.
23 ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા રહેશે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યના અનેક ભાગોમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ઠંડી અને ત્યાર બાદ કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. વારંવાર વાતાવરણના પલટાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.