ગુજરાત વિધાનસભાની ચુંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે સુરતમાં ITની ટીમે દરોડા પાડ્યા છે. હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ રેડ પડતાં ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રથમ તબક્કાની ચુંટણી પૂર્ણ થતા જ સુરતમાં આઈટી વિભાગના દરોડા પડ્યા છે. મળતી માહિતી મુજબ ધાનેરા ડાયમંડ અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ પાડી તપાસ કરવામાં આવી રહી છે. હીરા ઉઘોગમાં રેડ પડતા જ ફફડાટ ફેલાયો છે. ઘર, રહેઠાણ, ઓફીસ સહિતની જગ્યાએ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. ધાનેરા ગ્રુપના અરવિંદ અજબાની સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે
12 કરતા વધુ સ્થળોએ ઈન્કમટેક્સનું સર્ચ
હીરા ઉઘોગ સાથે બિલ્ડરોને ત્યાં પણ દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. રમેશ ચોગઠ નામના બિલ્ડરને ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. 12 કરતા વધુ સ્થળોએ ઇન્કમટેક્ષ અધિકારીઓ દ્વારા સર્ચની કાર્યવાહી હાથ ધરાતા શહેરના ફાઈનાન્સર અને જમીનના કારોબારીઓમાં ફફડાટ ફેલાયો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે, ગ્રુપ સાથે સંકળાયેલા 30 થી વધુ સ્થળો પર આઇટીની ટીમો હાલ તપાસ હાથ ધરી રહી છે. સુરતનું ડાયમંડ ગ્રુપ મુંબઇમાં પણ વેપાર ધંધો ધરાવે છે. આઇટીની ટીમોએ સુરત અને મુંબઇમાં દરોડા પાડ્યા છે.
ચૂંટણીના માહોલ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ટોક ઓફ ધી ટાઉન બની રહી છે. ધાનેરા ગ્રુપ મોટું મનાતું હોવાના કારણે આઇટીની ટીમ દ્વારા તપાસના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી શક્યતાઓ હાલ તબક્કે સેવાઇ રહી છે. ગ્રુપ પાસેથી આઇટીને શું મળી આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.