અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે
રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે
PM મોદી GIFT સિટીની પણ મુલાકાત લેશે
આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ 26મી તારીખે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને બપોરે રાજકોટમાં વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે આપના કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે આજે કેજરીવાલ હિમાચલથી ચાર્ટડ પ્લેનમાં સીધા રાજકોટ એરપોર્ટ આવશે. આજે સાંજે તેમનો કોઇ કાર્યક્રમ નથી. એરપોર્ટ પરથી તેઓ ચાર્ટડ પ્લેનમાં જ કેશોદ જવા રવાના થશે. જ્યાંથી તેઓ રોડમાર્ગે સોમનાથ જશે અને ત્યાં રાતે રોકાશે. મંગળવારે સવારે સોમનાથ દાદાના દર્શન કરશે. બપોરે ઉદ્યોગકારો અને વેપારીઓને મળશે.
બીજી બાજુ ખુદ વડાપ્રધાન મોદી પણ તારીખ 28-29 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવશે. જેમાં તેઓ કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાશે. ગાંધીનગર અને સાબરકાંઠાના કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે, PM મોદી 15 જુલાઈથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. પરંતુ ભારે વરસાદના કારણે તેમનો ગુજરાત પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો હતો.
PM મોદીના ગાંધીનગરના કાર્યક્રમની જો વિગતવાર વાત કરીએ તો, તેઓ GIFT સિટીની પણ મુલાકાત લેશે. ગાંધીનગરમાં તેઓ બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેશે. આ સાથે PM નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાશે. હિંમતનગરમાં તેઓ સાબર ડેરીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત વધારે હોઇ શકે છે.